________________
કેવળી પ્રભુનો સાથ
દ્વારા કરતા રહી, જીવ શુદ્ધિના માર્ગમાં વિકાસ કરતો રહે છે. જે જે શુભ તત્ત્વો મળ્યાં છે તે માટેનો ઉપકાર માનવાનું તે ચૂકતો નથી. સાથે સાથે પોતાને પ્રાપ્ત થયેલી વિશુદ્ધિને કારણે ભાવિનું સ્પષ્ટ ચિત્ર તાદશ કરી, તે દૃશ્યનો આનંદ માણતાં માણતાં, તે ચિત્રનું વાસ્તવિકરણ કરવા તે પ્રભુને આરજૂ કરતો રહે છે. આમ હસતાં રમતાં કર્મટિ કરવાની આવડત જીવમાં આવતી જાય છે. સાથે સાથે પ્રભુમાં એકરૂપ થવાનો મુખ્ય અનુભવ મળ્યા પછી એ આવડત વૃદ્ધિ પામતાં, તેનાં વર્તમાન જીવનમાં તથા ભાવિ જીવનમાં આનંદ છવાયેલો રહે છે. આ રીતે જીવ ગુણસ્થાન ક્રમમાં આગળ વધતો રહે છે. પ્રભુ સાથે એકાકાર થવાનો – નિર્વિકલ્પ થવાનો અનુભવ વારંવા૨ કરતા રહેવાથી તેનો સંસા૨૨સ તૂટતો જાય છે, સંસારી ભાવોથી તેનું અલિપ્તપણું વધતુંજાય છે, ચારિત્રની ખીલવણી થતી જાય છે અને તેના દ્વારા શ્રેણિ માંડવાની તેની આંતરિક તૈયારીઓ વધતી જાય છે. શ્રી ગુરુના માર્ગદર્શનને કારણે તેને જાણપણું હોય છે કે બારમા ગુણસ્થાનના અંત સુધી શ્રી પ્રભુનું અવલંબન અનિવાર્ય છે. આ અવલંબનને ત્યાગી પોતાની રીતે વિશુદ્ધિ માટે જીવ પ્રયત્ન કરે તો પ્રવેશેલા સ્વચ્છંદને કારણે તે ક્ષપક શ્રેણિના સ્થાને ઉપશમ શ્રેણિનાં પગથિયાં ચઢતો જાય છે, તેના અનિવાર્ય અંગરૂપે તે અગ્યારમા ગુણસ્થાન સુધી વિકાસ કરી અવશ્ય પતન પામે છે. છઠ્ઠા, ચોથા કે પહેલા ગુણસ્થાન સુધી તે નીચે ઊતરી આવે છે. નવાં કર્મબંધન વધવાને કારણે તેની સંસારવૃદ્ધિ થાય છે અને તેનાથી છૂટવા માટે ફરીથી બધો પરિશ્રમ ઉઠાવવો પડે છે. આવી બધી પુનરાવર્તનની જંજાળમાંથી પસાર થવું ન પડે તથા તેને સંસારનો સંગ લાંબા કાળ માટે વેઠવો ન પડે તે માટે, શ્રેણિ માંડયા પૂર્વની અવસ્થામાં તે વિશિષ્ટ ભાવો કરતો રહે છે કે જેના ફળરૂપે, શ્રેણિમાં બારમા ગુણસ્થાનના અંત સુધી શ્રી પ્રભુનું અવલંબન એક સમય માટે પણ છોડવા જેટલું દુષ્કૃત્ય તેનાથી સંભવે નહિ, સતત આજ્ઞાધીન રહી સમગ્ર ઘાતીકર્મોનો ક્ષય કરી તેરમા ગુણસ્થાનને પ્રાપ્ત કરે. પોતે સેવેલા આ ધ્યેયને સિદ્ધ કરવા વિશુદ્ધિ પ્રતિ ડગ ભરતો ભરતો તે આત્મા લગભગ આ પ્રકારના ભાવોમાં રમતો રહે છે –
૩૪