________________
સત્પુરુષનો વિયોગ તેને અકળાવે છે, બેચેન બનાવે છે; આ સ્થિતિમાં આર્તધ્યાનમાં સરી ન પડાય તથા ઉદિત થયેલા વિપરીત સંજોગોથી જલદીથી છૂટી જવાય તેવા હેતુથી જીવ પ્રાર્થનાનો આશ્રય લઈ સ્થિરતા મેળવી શકે છે. ઘણી વખત પ્રત્યક્ષ સત્સંગના યોગનો આનંદ જીવને એવો અવર્ણનીય લાગે છે કે તેનાથી કદાપિ વિમુખ ન થવું પડે તો સારું એવા ભાવનું ઘુંટણ તેને ચાલે છે. તે હેતુ પૂર્ણ કરવા શ્રી પ્રભુને પ્રાર્થી શકાય કે
“હે ભગવંત! અત્યાર સુધીમાં આપે મારા પર અનેક ઉપકાર કર્યા છે તે માટે હું આપનો ખૂબ આભાર માનું છું. આપની જ કૃપાથી સંસાર પાર કરવાની મહેચ્છા મારામાં ઉદ્ભવી છે, સત્પુરુષ તથા સત્સંગનાં મહાત્મ્ય મને સમજાયાં છે, મળેલો મનુષ્ય જન્મ સફળ કરવાનો નિર્ણય થયો છે અને તે અર્થે આરાધન કરવાની તત્પરતા મારામાં જાગી છે. તે સર્વ ઉપકારાર્થે આપને વંદન કરું છું અને આપને વિનંતિ કરું છું કે મને સત્પુરુષ તથા તેમના સત્સંગનો લાભ નિરંતર મળ્યા કરજો, તેમના થકી થતા અગમ્ય લાભનો અહોભાવ મને સદાય વર્તજો. એ સત્સંગમાં વસી મારા સર્વ દોષો હું ટાળતો રહું, મોક્ષમાર્ગની ઝીણવટભરી ખૂબીઓ હું અવલોકતો રહું એ ભાવના પૂર્ણ કરજો. આ અભિલાષા સાકાર થવામાં મારાં પૂર્વનાં જે જે કર્મો, અંતરાયો, મોહ, વિપરીતાચરણો વિઘ્નરૂપ થતાં હોય તે સર્વની આપની સાક્ષીએ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગું છું. મારાં તે પાપ નિષ્ફળ થાઓ. તે સર્વ વિઘ્નકર્તા દોષોથી મને બચાવો, સત્સંગરૂપી પરમ સૌભાગ્ય મને તથા સહુ આત્માર્થી જીવોને મળતું રહો એવી સબુદ્ધિ સાથે આપને પરમ શ્રદ્ધાથી વંદન કરું છું. મારા વંદન સ્વીકારશો.” ૐ શાંતિ.
પ્રાર્થના
આમ જરૂરિયાત પ્રમાણે વિવિધ કર્મોને ટાળવામાં સહાયરૂપ થાય તેવી પ્રાર્થના કરતા રહેવાથી અનેકવિધ લાભ થાય છે. પ્રાર્થના દરમ્યાન મન શુભભાવમાં રોકાતું હોવાથી અશુભ કર્મોનો આશ્રવ રોકાય છે. ક્ષમાપના કરવાથી એકત્રિત થયેલો કર્મનો જથ્થો હણાય છે અને ક્રમે કરી તે જીવ સમ્યક્દર્શન પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે.
૨૯