________________
પ્રાર્થના
બેત્રણ દિવસમાંજ બાળકની ઇચ્છા પૂરી કરે છે. આ દરમ્યાન માતાને બાળક પ્રતિ ઘણો પ્રેમભાવ વધ્યો હોય છે, કારણ કે બાળકના સગુણો તેને રસતરબોળ બનાવે છે.જો એ જ બાળક, એ જ ચીજની માગણી તેની માતા સમક્ષ અયોગ્ય રીતે મૂકતું હોય, એટલે કે તે બાળક રડીને, જીદ કરીને, કજીયા કરીને, જમીન પર આળોટીને વસ્તુની માગણી કરતું હોય તો માતા તેના પર અકળાઈ જાય છે. માતા તેને શિક્ષા કરે છે, વઢે છે, અને જીદ પૂરી ન કરવાના હેતુથી તે વસ્તુથી બાળકને વંચિત રાખે છે. અયોગ્ય માર્ગ ગ્રહણ કરવાને લીધે બાળક ઇચ્છિત વસ્તુ પામી શકતું નથી. અને માતાના પ્રેમની ઓટ વધારામાં અનુભવવી પડે છે. તેની સામે બાળક યોગ્ય અને વિવેકી માર્ગ અપનાવે તો ઇચ્છિત વસ્તુ અને માતાના પ્રેમની વૃદ્ધિ એમ બંને પામે છે. સારાંશ કે સાધન અને સાથે બંનેની શુદ્ધિ અવશ્ય જોઈએ. આ જ પ્રાર્થકને પણ લાગુ પડે છે. પ્રાર્થક સર્વજ્ઞ પ્રભુનું સંતાન છે. તે સંતાન પ્રેમ, શ્રદ્ધા, ધીરજ, વિનય, વિવેક સાથે શ્રી સર્વજ્ઞ વિભુને પ્રાર્થે તો પ્રત્યેક પ્રાર્થના વખતે કોઈ ને કોઈ ગુણની વર્ધમાનતા અમુક અંશે તો મેળવે જ છે.
જિજ્ઞાસુ આત્મા વિવેકી બની, ધીરજ કેળવી, શાંતભાવથી શ્રી પ્રભુને પ્રાર્થના કરે છે ત્યારે તેને શ્રી પુરુષનો યોગ થાય છે. તેમની પાસેથી તે જિજ્ઞાસુને આત્મશુદ્ધિ કરવા માટે માર્ગદર્શન મળતું જાય છે. તે અનુસાર તે જીવ આરાધન કરતો રહે છે. આ પ્રવૃત્તિ કરતાં કરતાં, સમકિત પ્રાપ્તિમાં વિદનરૂપ અંતરાય કર્મનાં ક્ષય અર્થે તથા સગુણોની ખીલવણી અર્થે, તે શ્રી સદ્ગુરુના સૂચન અનુસાર આ જાતની પ્રાર્થના શ્રી પ્રભુને કરી શકે છે –
હે સર્વજ્ઞ ભગવાન! આપને આ બાળકના સવિનય કોટિ કોટિ વંદન હોજો. આપ પ્રભુ સર્વ જીવોનું કલ્યાણ ઇચ્છી, અનેક જીવોનું કલ્યાણ કરી, સિદ્ધભૂમિમાં બિરાજમાન થયા છો. સહુ જીવોના કલ્યાણની આપની ભાવનામાં મારો પણ સમાવેશ થયો, તે માટે હું આપનો આભાર માનું છું. આપે કરેલી આ કૃપાના કારણે જ મારામાં કલ્યાણ મેળવવાના ભાવ જાગ્યા છે. અને આપની કૃપાથી સગુરુનો પ્રત્યક્ષ યોગ મને સાંપડયો છે,