________________
કેવળી પ્રભુનો સાથ
મુક્ત થઈ શાશ્વત સુખ લેવાની મહેચ્છા જાગે છે. અન્ય જીવો વગર વિચાર્યું આ ઘટમાળમાંથી પસાર થયા કરે છે. તેઓ માને છે કે “આમ જ હોય. વિશેષતાએ કષ્ટ લાગે ત્યારે અંતરંગ કષાયભાવને વશ થઈ તે કષ્ટના નિમિત્ત બનનાર પર દોષનો ટોપલો ઓઢાડી, તેની સાથે વેર બાંધે છે, અને ભાવિની અશાંતિ નિશ્ચિત કરે છે. આ સુખદુ:ખની ઘાટમાળમાંથી જીવો ચક્રવત્ પસાર થયા જ કરે છે, સંસાર ચાલ્યા કરે છે. તેથી જ અનાદિ કાળથી ચાલતો સંસાર અનંતકાળ સુધી રહેવાનો છે એમ શ્રી પ્રભુએ જણાવ્યું છે. જે જીવ વિચારક છે, શાશ્વત સુખ મેળવવાની ઝંખનાથી ભૂષિત છે તે સંસારની જંજાળથી મુક્ત થવા પુરુષાર્થ ઉપાડે છે. તે જીવને આ ઝંખના પૂર્ણ કરવામાં સહાયરૂપ થાય તેવા માર્ગદર્શકની જરૂર લાગે છે. માર્ગદર્શકની અપ્રાપ્તિ તેને મુંઝવે છે. વળી સાચા માર્ગદર્શકની ખોજ પોતાની રીતે કરવી તેને ખૂબ કઠિન લાગે છે. તેને પોતાની પાત્રતા એટલી બળવાન નથી લાગતી કે બીજા અનેકની પરીક્ષા કરી, યોગ્ય માર્ગદર્શકની પરખ કરી, તેની સાથે પોતાનું અનુસંધાન કરી શકે. બીજી બાજુ જો કોઈ અયોગ્ય માર્ગદર્શક ભેટી જાય, ત્યાં શ્રદ્ધાન થઈ જાય તો લાભને સ્થાને મહા નુકશાન થઈ જાય; કારણ કે મહામૂલ્યવાન મનુષ્યભવ વેડફાઈ જાય, કલ્યાણ કરવાનો અમૂલ્ય અવસર ચૂકાઈ જાય. ફરીથી મનુષ્યભવ તથા સાનુકૂળ સંજોગો આવે ત્યાં સુધી કલ્યાણ લંબાઈ જાય. તેથી કોઈ પણ અયોગ્ય વ્યક્તિના શરણે પોતાનો આત્મા જાય નહિ તેની કાળજી કરવી તે છૂટવા ઇચ્છતા જીવ માટે અત્યંત આવશ્યક છે.
અયોગ્ય દોરવણીને કારણે લાભને બદલે નુકશાન થાય તેવું આ સંસારમાં ઘણીવાર બને છે, તેથી તેવું ન થાય તે માટેની કાળજી સેવવામાં આવે છે. બાળકને સારું શિક્ષણ મળે તે માટે ઉત્તમ ગણાતી શાળામાં તેને મૂકવાની તજવીજ માતાપિતા કરતા હોય છે, સારી રીતે સંતાન દ્રવ્યોપાર્જન કરી શકે એવી ભાવનાથી તેને લગતી પ્રસિદ્ધ સંસ્થાઓમાં શિક્ષણ મળે તે માટે ભરપૂર પ્રયત્નો કરનાર માતાપિતા તથા વડીલોનો આ જગતમાં તોટો નથી. સારાંશ કે પચાસ થી સો વર્ષના આયુષ્ય દરમ્યાન કષ્ટો ન આવે તે માટેની જાતજાતની કાળજી આ સંસારમાં લેવામાં આવે છે; તો પછી જ્યાં અનંતકાળનું દુઃખ ટાળવાનું છે, જન્મમરણના ફેરામાંથી મુક્ત થવાનું છે,