________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
સદ્ગુરુના યોગથી બધી સમજણ અને પાત્રતા કેળવી સમકિત, ક્ષાયિક સમકિત, પાંચમું, છછું અને સાતમું ગુણસ્થાન પણ મેળવે છે. આ પ્રત્યેક વિકાસ વખતે તે જીવ પ્રભુની અથવા સગુરુની હાજરીનો પ્રત્યક્ષ લાભ લે છે. દરેકે દરેક ગુણસ્થાને ચડવા માટે તે સહાય મેળવતો જાય છે. પોતાને મળતી સહાય માટે તે પ્રભુનો ઉપકાર માને છે, એટલું જ નહિ પણ આવી સહાય મળતી રહે તથા વધતી રહે તે માટે પ્રાર્થના કરતો રહી સદ્ગુરુની સાચી નિકટતા કેળવતો જાય છે.
આ રીતે સાત ગુણસ્થાન સુધી વિકાસ કર્યા પછીનો વિકાસ કરવાનો પ્રસંગ આવે છે ત્યારે તેને ક્રમથી છતાં એકસાથે વિકાસ કરવાનો રહે છે. આઠમાથી બારમા સુધીના પ્રત્યેક ગુણસ્થાને જીવ અંતમુહૂર્તથી વધારે કાળ માટે રહેતો નથી, એટલે એ વિકાસ કરવા માટે વચ્ચેની કોઈ પણ અવસ્થાએ તેને સદ્ગુરુનું પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવવાનું સદ્ભાગ્ય સાંપડી શકતું નથી. તેણે જે કંઈ માર્ગદર્શન મેળવવાનું છે તે આઠમાં ગુણસ્થાને પહોંચ્યા પહેલાં જ લઈ લેવું જરૂરી બને છે. વળી, આ માર્ગદર્શનને તેણે એટલું બધું આત્મસાત કરવાનું છે કે જેથી તે સમય માત્રની પણ ભૂલ કર્યા વિના સીધે સીધો આઠમાથી બારમા ગુણસ્થાને ચડી, તેરમા સયોગી ગુણસ્થાને પહોંચી જાય. આ ગુણસ્થાનોએ વર્તતાં આજ્ઞાપાલનમાં તેની જો એક સમય જેટલી પણ ભૂલ થઈ જાય તો તે જીવ અગ્યારમાં ઉપશાંત મોહ નામના ગુણસ્થાને જઈ નિયમપૂર્વક નીચેના ગુણસ્થાને ઊતરી આવે છે. જેવડી ભૂલ હોય, તેના પ્રમાણમાં તે જીવને નવાં કર્મનાં બંધ થાય છે; અને તેટલી માત્રામાં નીચે આવવું પડે છે. છઠ્ઠા, ચોથા કે પહેલા મિથ્યાત્વ ગુણસ્થાને અટકે ત્યારે જ્યાં અટક્યા હોય ત્યાં સુધીની દશા રહે છે, અને તે પછીનો સર્વ વિકાસ કરવા માટે તેને નવેસરથી પુરુષાર્થ કરવાનો આવે છે. તેમાં પણ પ્રત્યક્ષ સગુનો સાથ લઈ આત્મશુદ્ધિ કરી આગળ વધાય છે. મોટે ભાગે ઊતરતી વખતે જે જીવ છઠ્ઠા ગુણસ્થાને અટકે છે તેઓ તે જ ભવમાં ક્ષપક શ્રેણિએ ચડી ઘાતકર્મોનો અંત લાવી શકે છે. નહિ તો તેઓ તે પછીના ભાવમાં સંસારનો પાર પામે છે. જેઓ ચોથા ગુણસ્થાને અટકે છે તેઓ પણ તે ભવમાં કે પછીના એકબે ભવમાં કર્મનો અંત લાવે છે, પરંતુ પહેલા ગુણસ્થાને આવી ગયેલ જીવ તે જ
૩૭૧