________________
કેવળી પ્રભુનો સાથ
નથી, પરિણામે તેમને શૂન્યતામાંથી બહાર આવતાંની સાથે જ પ્રગટ વિચારો સાથે તાદાભ્યપણું સંધાઈ જતું હોય છે. જીવ જ્યારે આ સૂક્ષ્મ પ્રકારનાં શુભ પરિણામને પણ અમુક સમય માટે વિશેષ સૂક્ષ્મ કરી, પોતાનાં મન, વચન તથા કાયાને સતત આજ્ઞાધીન રાખવામાં સફળ થાય છે, ત્યારે તે સાતમા અપ્રમત્ત ગુણસ્થાનનો અનુભવ કરે છે. આવી દશામાં જેટલા કાળ માટે જીવ સ્થિર રહે તેટલા કાળ માટે તેને સાતમું ગુણસ્થાન ટકે છે.
સાતમા ગુણસ્થાને જીવને ઘાતકર્મો પ્રગટપણે ઉદયમાં રહેતાં નથી. આ સમય દરમ્યાન જે જે ઘાતકર્મો ઉદયમાં આવે તેમ હોય તે તે કર્મો પ્રદેશોદયથી ભોગવાઇને ખરતાં જાય છે, તેથી જીવને તેનું પ્રગટપણે વેદવું થતું નથી. જ્યાં સુધી જીવનું વીર્ય સક્રિય કાર્ય કરે છે ત્યાં સુધી તેને આ પ્રક્રિયા ચાલે છે. આવી સ્થિતિ વધુમાં વધુ અંતર્મુહૂર્તકાળ માટે ટકી શકે છે. જ્યાં સુધી જીવનાં ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી જીવનું વીર્ય અંતમુહૂર્ત કાળથી વધારે કાળ માટે કર્મો પર સત્તા ચલાવી શકતું નથી, આથી એટલા કાળ પછી કોઈ ને કોઈ ઘાતકર્મનો ઉદય થાય છે, અને તેના થકી જીવ સવિકલ્પ દશામાં આવી જાય છે. તે વખતે જીવ સાતમા ગુણસ્થાનથી નીચે ઊતરી છઠ્ઠા ગુણસ્થાને આવી જાય છે. ફરીથી યોગ્ય પુરુષાર્થ કરી જીવ સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કરે છે. આમ આગળ વધ્યા પછી પ્રત્યેક જીવ અમુક કાળ સુધી છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાને ચડઊતર કર્યા કરે છે.
સાતમા ગુણસ્થાને જીવ જ્યારે આવી અપ્રમત્તદશાનો અનુભવ કરે છે ત્યારે તેને કેવળી પ્રભુને થતા આત્માનુભવના વેદન સમાન આત્મવેદન થાય છે. ફરક એટલો છે કે કેવળ પ્રભુને ઘાતકર્મોનો પૂર્ણતાએ ક્ષય હોય છે, ત્યારે સાતમા ગુણસ્થાનવર્તી જીવને ઘાતકર્મો મુખ્યતાએ સત્તાગત હોય છે. આ ગુણસ્થાનની બીજી વિશેષતા એ છે કે જીવ જેટલા સમય માટે સાતમા ગુણસ્થાને ટકે છે; તેટલા જ કાળ માટે કે તેથી વધારે કાળ માટે તે જ્યારે બીજી વખત સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કરે છે ત્યારે રહે છે. ઉદા. કોઈ જીવ વિકાસ કરી સાતમા ગુણસ્થાને પાંચ મિનિટ સુધી રહ્યો હોય, તો
૩૬૮