________________
કેવળી પ્રભુનો સાથ
અર્થાત્ એ એકત્વ પહેલાં કરતાં ઓછા પુરુષાર્થથી તોડી શકાય તેવું હોય છે. જ્યારે તે જીવ અમુક પ્રદેશોનું પુદ્ગલ સાથેનું એકત્વ તોડે છે ત્યારે તે થોડી ક્ષણો માટે આત્માનુભવ કરવા સમર્થ થાય છે. ફરીથી એકત્વ બંધાતા અનુભૂતિ ચાલી જાય છે, પણ સ્મૃતિ તેને રહી જાય છે. આમ વારંવાર પુરુષાર્થી બની, અનુભૂતિમાં જતાં જતાં તેનું સ્થળ પુદ્ગલ પરમાણુ સાથેનું અનુસંધાન તથા જોડાણ નબળું ને નબળું થતું જાય છે. આમ કરતાં કરતાં જ્યારે તે ખૂબ બળવાન થઈ ક્ષયોપથમિક સમ્યકત્વ ગ્રહણ કરે છે ત્યારે તેના અડધાથી વધારે આત્મપ્રદેશો પુદ્ગલ સાથેનું સ્થૂળ અનુસંધાન તોડી નાખે છે. અને અડધાથી ઓછા આત્મપ્રદેશો સ્થૂળ અનુસંધાનથી જોડાયેલા રહે છે. આવું અનુસંધાન જેટલા પ્રમાણમાં તૂટયું હોય તેટલા પ્રમાણમાં તે જીવ આત્મપ્રતીતિ જાળવી શકે છે. ક્ષયોપશમ સમકિત મેળવ્યા પછી પણ આત્માનુભૂતિ મેળવવાના પુરુષાર્થમાં જીવના આત્મપ્રદેશોનું પુદ્ગલ પરમાણુ સાથેનું એકત્વ શિથિલ થતું જાય છે. અને તેનાથી વિપરીત પરિસ્થિતિમાં આ એકત્વ દઢ પણ થાય છે, વિશેષ પ્રદેશો એકત્વ ધારણ કરે તેમ પણ બની શકે છે. આમ ચડઉતર કરતાં કરતાં જ્યારે જીવ પ્રબળ પુરુષાર્થી બની તેના સર્વ પ્રદેશોનું પુદ્ગલ સાથેનું અનુસંધાન તોડી નાખે છે, આત્મપ્રદેશોને શરીરનાં પુદ્ગલથી છૂટા પાડી દે છે ત્યારે તે ક્ષાયિક સમકિત મેળવે છે. આ રીતે દેહ સાથેના ઘટ્ટ બંધનનો અંત આવે છે. ત્યારથી તે જીવને આત્માનાં અસ્તિત્વની પ્રતીતિ સતત રહે છે. આ પ્રતીતિ જીવને આત્મમાર્ગે વર્તવા માટે એટલું બધું બળ પૂરું પાડે છે કે તે જીવ ક્ષાયિક સમકિત લીધા પછી વધુમાં વધુ ત્રણ ભવમાં મોક્ષમાં જાય છે. એક વખત આત્મપ્રદેશો દેહથી પૂર્ણતાએ છૂટા થાય છે, એટલે કે એક આત્મપ્રદેશ પણ દેહ સાથેના ઘટ્ટ બંધનથી જોડાયેલો રહેતો નથી, તે પછીથી ક્યારેય આવું એકત્વવાળું અનુસંધાન આત્મપ્રદેશોને થતું નથી. સમકિતથી શરૂ થતી આ પ્રક્રિયા ક્ષાયિક સમકિત મેળવતી વખતે નિશ્ચિત રૂપ ધારણ કરે છે. અને પછીથી જેમ જેમ જીવની દશા વર્ધમાન થતી જાય છે તેમ તેમ આત્મપ્રદેશો અને સ્થૂળ પુદ્ગલ પરમાણુ વચ્ચેનું અંતર નિશદિન વધતું જ જાય છે. જેમ જેમ આવું છૂટાપણું વધતું જાય તેમ તેમ ધારણ કરેલા દેહને ત્યાગતી વખતે જીવને
૩૬૦