________________
પ્રાર્થના
અને અશુભના ઉદયો વધી જાય છે. કારણ સમજાય તેમ છે. જીવ જ્યારે કોઈનું પણ અશુભ ચિંતવે છે ત્યારે તે જીવ એને અનુરૂપ કર્મના પરમાણુઓ પોતાના આત્માના પ્રદેશો પર ગ્રહણ કરે છે. અને તે કર્મનો ઉદય થાય છે ત્યારે તેનાં પરિપાકરૂપ બેવડું કષ્ટ અશુભ ચિંતવનાર પામે છે. જે જીવ પ્રાર્થનામાં શુભ ચિંતવે છે, સ્વપર કલ્યાણના ભાવ કરે છે તે જીવ શુભ પરમાણુ કર્મરૂપે ગ્રહણ કરે છે તેથી તે વખતે તો શાતા વેદે છે; ઉપરાંત તેના પરિપાકકાળે બેવડી શાતા પામે છે. આ પરથી એ તારણ કાઢી શકાય કે પ્રાર્થનામાં પોતાનાં સુખની વૃદ્ધિની માંગણી સાથે કોઈની પણ કષ્ટવૃદ્ધિ થાય તેવી માંગણી થવી ન જોઈએ. જો એમ થાય તો જીવને સુખને બદલે દુ:ખ મળે છે. આ ચેતવણી ન સમજનારા જીવો અશુભ તત્ત્વોનું આરાધન કરી, બીજાને કષ્ટ પહોંચાડવાની પ્રવૃત્તિ આદરી, પોતા માટે ભાવિનું અપરંપાર દુ:ખ ઊભું કરે છે. મુક્તિ ઇચ્છનાર જીવે આ પ્રકારના દોષથી બચવા સતત જાગૃત રહેવું જોઈએ.
આટલી જાણકારી મેળવ્યા પછી, પ્રાર્થના કઈ રીતે કરવી જોઈએ તેની સમજણ લેવી પણ જરૂરી છે. પ્રાર્થના કરતાં પહેલાં જીવે મનમાં ઈષ્ટદેવની સ્મૃતિ લઈ વિનમ્રભાવ આણવો જોઈએ. તે દ્વારા જીવનો માનભાવ દબાય છે, અને સફળતાને આંબવા પાત્રતા તૈયાર થાય છે. જો અહમ્નો ઉદય વેદાતો હોય તો તેનાં કારણે અન્ય શુભ વસ્તુનો લાભ તે ગ્રહી શકાતો નથી. વિનમ્રભાવ આણ્યા પછી ઇષ્ટદેવના ગુણોની સ્તુતિ થોડીવાર કરવી જરૂરી છે. જે ગુણોનો અભાવ પોતામાં છે તેનો સદ્ભાવ શ્રી વીતરાગદેવમાં છે તેવી સ્મૃતિ બળવાન થતાં, તે ગુણો પ્રાપ્ત કરવાની, વિકસાવવાની તાલાવેલી જીવને જાગે છે, અને જીવનું ભાવનું ચળવિચળપણું ઘટે છે. વળી જે ગુણોની સ્તુતિ થાય છે તે ગુણોથી મળતા લાભનું જાણપણું પણ જીવમાં આવે છે. અને તેના પુનરાવર્તનથી તે સર્વ પ્રાપ્ત કરવા માટેનું દઢત્વ બળવાન થાય છે. પરિણામે ઇચ્છિતની પ્રાપ્તિ સહેલી થાય છે. જેમ ભાવનું ઊંડાણ તથા બળવાનપણું વિશેષ તેમ તેનો પરિપાક ત્વરાથી મળે છે એવો કર્મસિદ્ધાંત છે. શ્રી પ્રભુના ગુણની સ્તુતિના અનુસંધાનમાં પોતાના દોષો અને ભૂલોને કારણે આવા ગુણોથી પોતે વંચિત રહ્યો છે તેનું ભાન જીવને ભૂલોનો પશ્ચાત્તાપ કરવા પ્રતિ દોરી જાય છે. એટલે કે એક જીવ કોઈ ઇચ્છિત પ્રાપ્ત કરવા
૧૭