________________
કેવળી પ્રભુનો સાથ
નથી, તેથી તે બધેથી નિષ્ફળતા પામે છે. વ્યવહારનાં ઉદાહરણથી આ વાત વિશેષ સ્પષ્ટ થશે. એક સેવક દાનની વાંછાથી જુદા જુદા અનેક ધનિકની વારાફરતી સેવા કરે છે. થોડા દિવસ એક જગ્યાએ કામ કરી, લાલચમાં બીજી જગ્યાએ જાય છે. વળી થોડા દિવસમાં ત્રીજી જગ્યાએ જાય છે. તેથી કોઈ પણ ધનિક તેની જવાબદારી લેતા નથી. જેટલા દિવસ કામ કરે તેટલા દિવસના ગણતરીના પૈસા આપી તેઓ છૂટી જાય છે. પરિણામે તેની ધનની જરૂરિયાત પૂરી થતી નથી. પરંતુ જો એ જ સેવક કોઇ પણ એક વ્યક્તિ – ધનિકને પકડી તેની તનમનથી સેવા કરતો રહે છે તો જરૂર પડયે તે ધનિક તેની બધી જવાબદારી ઊઠાવે છે. જેમકે માંદગી વખતે દવા વગેરેના વધારાના પૈસા ખર્ચવા, તેની શારીરિક સુવિધા જળવાય તે જોવું, તેના કુટુંબમાં કોઈ પ્રસંગ આવે તો પ્રસંગ ઉકેલવા પૂરતા પૈસા આપવા, વસ્ત્રાદિની જરૂરિયાત પૂરી પાડવી વગેરે. આ પરથી સમજાય છે કે કોઈ એક જીવ એક પછી એક એમ અનેક દેવદેવીઓની આરાધના કરતો રહે તો ક્ષણિક અને તુચ્છ સંસારસુખ સિવાય તે કંઈ જ પામી શકતો નથી. તેના પૂર્ણ કલ્યાણની જવાબદારી કોઈ લેતું નથી. પરંતુ જો એક સાચા વીતરાગદેવને શ્રદ્ધી, તેની તનમનથી સેવના કરે તો શ્રી વીતરાગદેવ તે જીવને જન્મ, જરા અને મૃત્યુનાં દુ:ખથી પર એવા શાશ્વત મોક્ષસ્થાન સુધી લઈ જવા પોતાનાં અમૂલ્ય એવા કેવળધનનો વારસો તેને આપે છે. આ પરથી ઉત્તમ પાત્રતા મેળવવાની અગત્ય સ્પષ્ટ થશે.
પ્રાર્થના કરતી વખતે પ્રાર્થુકે એ લક્ષ રાખવો ઘટે છે કે પ્રાર્થનામાં કોઈનું પણ અકલ્યાણ સંભવે એવા ભાવનું ગૂંથન થવું ન ઘટે. પ્રાર્થનામાં તો સ્વપર કલ્યાણની ભાવનાજ ગૂંથાવી જોઈએ. કોઈને પણ અશાંતિ થાય, અકલ્યાણ થાય એવા ભાવનું સિંચન અજાણપણે પણ પ્રાર્થનામાં આવી જાય તો તેનું સફળપણું રુંધાઈ જાય છે, કારણ કે શ્રી વીતરાગદેવને કોઈનું પણ અકલ્યાણ અભિપ્રેત નથી. તેઓ સહુનું કલ્યાણ ઇચ્છે છે અને કલ્યાણ કરે છે. તેમના આ ગુણને આધારે તો તેમને સર્વજ્ઞપણું પ્રગટયું છે. બળવાન કલ્યાણરૂપ આત્મા પાસે જો કોઈના પણ અકલ્યાણની ભાવના કરવામાં આવે તો તે સફળ ન જ થાય, એટલું જ નહિ પણ આ પ્રકારનું ચિંતવન કરનારની અશાંતિ
૧૬