________________
કેવળી પ્રભુનો સાથ
વિકાસ ક્રમમાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો અમૂલ્ય ફાળો રહેલો છે. આ વિશે જરા ઊંડાણથી અને વિશદતાથી વિચાર કરીએ તો આત્માના અપૂર્વ સ્વભાવને જાગૃત કરવામાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો ફાળો કેટલો અમૂલ્ય છે તે સમજાય છે. અને આ લક્ષ આવવાથી સાધકનું મસ્તક તેમનાં ચરણોમાં સહજતાએ નમી પડે તે સાવ સ્વાભાવિક જણાય છે.
ક્ષયોપશમ સમકિત લઈ ચોથા ગુણસ્થાને આવ્યા પછી જીવનો સ્વતંત્ર પુરુષાર્થ વેગ પકડે છે. તેને ગુરુ પાસેથી જે માર્ગદર્શન મળ્યું હોય છે તેના અનુસાર તે આરાધન કરે છે. અને પોતાનો વિકાસ જારી રાખે છે. આ દશાએ તેને શ્રી ગુરુનું મહાભ્ય અને ઉપકાર વિશેષતાએ સમજાય છે. તેથી શ્રી ગુરુ પ્રત્યેના તેનાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતામાં વધારો નોંધાય છે. ગુરુ પાસેથી તેને પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણની જાણકારી વધારે ઊંડાણથી સમજવા મળે છે; અને તે સર્વનું મહાભ્ય સારી રીતે સમજાતું જાય છે. આ જાણકારીનો સદુપયોગ કરી તે પોતાના વિભાવને ઘટાડતો જાય છે, અને સ્થિરતા તથા શાંતિ વધારતો જાય છે. આ પુરુષાર્થ કરતાં કરતાં તેને પોતાના આત્મામાંથી નિષ્પન્ન થતાં સુખની અનુભૂતિ આવતી જાય છે. પરિણામે તે આવું સુખ વારંવાર મેળવવા ઉત્સુક થતો જાય છે. તેના લીધે તે સ્વાભાવિકપણે તે મેળવવા પ્રાર્થના કરે છે. વળી અત્યાર સુધીના કાળમાં આ પ્રકારના શુભભાવમાં તેણે સમય ગાળ્યો ન હતો અને તેના બદલે વિપરીતપણે વિભાવભાવમાં જ તે ભૂતકાળમાં ભમતો રહ્યો હતો તે ભૂલની સમજણ આવતાં તેના પસ્તાવાનો પાર રહેતો નથી, પસ્તાવાના એ કાળમાં પોતાની ભૂલોની ક્ષમાયાચના કરી એ ભૂલો ફરીથી ન કરવાનો નિર્ણય કરી, તેનાથી છૂટવા પ્રયત્નવાન થાય છે. આ રીતે પ્રાર્થના તથા ક્ષમાપનાનાં સાધનનો સદુપયોગ કરી, તેની સહાય લઈ પોતાનાં મનનો ભાર હળવો કરવામાં સફળ થતો જાય છે. આવી હળવાશની પળોમાં પોતાના આત્માના ગુણોનાં સ્મરણરૂપ મંત્રોનું રટણ કરી તે સ્વરૂપમાં લીન થવાનો પ્રયત્ન કરે છે. ધારી સ્થિરતા મેળવી તેના આનંદમાં નિમગ્ન થવા તે સદ્ભાગી થાય છે.
૩૫૬