________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
તેઓ વીતરાગ પ્રભુની વીતરાગતાના અંશે અનુભવી હોવાથી તેમની વીતરાગતાને યથાર્થતાએ સમજી શકે છે, અને બીજી બાજુ સરાગી જીવોના સતત સંપર્કને કારણે તથા પોતાની અમુક અંશે સરાગાવસ્થા હોવાથી તેની કક્ષા અને અભિલાષાને પણ સમજી શકે છે. તેથી તેઓ બંને વચ્ચેની સમાધાન રૂપ કડી થઈ જાય છે. સરાગી પાસે વીતરાગ પ્રભુના કલ્યાણભાવ વર્ણવી, તેની મુક્તિની અભિલાષાને બિરદાવી તે જીવને સભાનતાપૂર્વક કલ્યાણસન્મુખ કરતા જાય છે. આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુસાધ્વી રૂપે રહેલાં સગુરુનું આ કાર્ય જીવનમાં પરિભ્રમણના ઈતિહાસમાં ઉત્તમોત્તમ ગણાય છે. જે શિષ્યના સંસારને પંદર ભવ જેટલો સિમિત કરી નાખે છે.
સમર્થ સદ્ગુરુનાં સાનિધ્યમાં સભાનતાપૂર્વક આરાધન કરી જીવ સમ્યક્દર્શન પ્રાપ્ત કરી ચોથા ગુણસ્થાને આવે છે. આમ થવામાં સદ્ગુરુની સમર્થતા જેટલી વધારે તથા શિષ્યનો પુરુષાર્થ જેટલો ઉત્તમ તેટલું ઉત્તમ ફળ જીવને પ્રાપ્ત થાય છે. આવા સંજોગમાં શિષ્યના વિકાસની ગુણવત્તા અને ઝડપ બંને મોટી માત્રામાં વધી જાય છે.
એકથી ચાર ગુણસ્થાન સુધીનો વિકાસ મિથ્યાત્વ એટલે આત્મા સંબંધીનું જીવનું વિપરીત શ્રદ્ધાન. જ્યાં સુધી જીવને આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ આદિની શક્યતા અનુભવાતી નથી અને મિથ્યાત્વના ઉદયને કારણે સંસારી પ્રવૃત્તિમાં જ તે ઈતિ સિધ્ધમ્ કરે છે ત્યાં સુધી તે જીવ પહેલા ગુણસ્થાને જ રહે છે. તેમાંથી બહાર નીકળી તે જીવ જ્યારે આત્મા સંબંધી તંદ્ર વેદે છે, એટલે કે આત્મા હોવો જોઇએ એમ લાગવા છતાં આત્મા એટલે કોણ તે તેનાથી નક્કી થઈ શકતું નથી ત્યારે તે દ્વિધાવાળા મિશ્રગુણસ્થાન રૂપ ત્રીજા ગુણસ્થાને આવે છે. આવી મિશ્ર સ્થિતિ તેને અંતમુહૂર્ત કાળથી વિશેષ કાળ માટે ટકી શકતી નથી. તે વિકાસ કરી આત્માનુભૂતિવાળી દશામાં જાય છે, અથવા તો મિથ્યાત્વના ઉદયવાળા પહેલા ગુણસ્થાને આવી જાય છે.
૩૪૩