________________
કેવળી પ્રભુનો સાથ
એટલા ભયંકર હોય છે કે એ દેવો ત્યાં જઈ અન્ય નારકીઓને ઉપદ્રવ કરવાની હિંમત કરી શકતા નથી. માટે એ નરકોમાં પરમાધામી દેવોથી થતો ઉપદ્રવ નથી, તેમ છતાં સર્વ નારકીઓ એકબીજાને કારણે તેમજ ત્યાંની અશુભ ભૂમિરચનાને કારણે એક એકથી ચડિયાતા દુઃખોનો ભોગવટો સતત કરતા જ રહે છે. આવી સતત દુઃખની પરંપરાવાળી સ્થિતિમાં આત્મકલ્યાણ કરવાની ભાવના જાગવી અથવા તો તે ભાવના કરવા સાનુકૂળ સંજોગો મળવા અત્યંત દુર્લભ છે. આવી અનુકૂળતા બે રીતે અપવાદરૂપ સંજોગોમાં નારકીને મળે છે. (૧) પૂર્વનાં શુભ ઋણાનુંબંધી જીવ જો દેવગતિમાં હોય અને તે કલ્યાણમાર્ગમાં પ્રવેશેલા હોય, અને તે દેવ સાથે નારકીના જીવને એ શુભ ઋણાનુબંધ ઉદયમાં આવે તો તે દેવ આ નારકીને દેવલોકમાં રહ્યા રહ્યા પ્રતિબોધે છે. અને એ દેવના આશ્રયે બળવાન પુણ્યોદયે નારકી સમતાભાવથી વેદના સહન કરી આત્મજ્ઞાન લેવા સદ્ભાગી થાય છે. આમ બનવું સામાન્યપણે ઘણું ઘણું કઠણ છે. (૨) પૂર્વે નરકનો બંધ બાંધ્યા પછી કોઈ જીવ મનુષ્ય કે તિર્યંચ ગતિમાં સમ્યકજ્ઞાન કે તેથી વિશેષતાવાળી અવસ્થા મેળવવા ભાગ્યશાળી બને તો તેવા જીવને આત્મશાંતિ પ્રાપ્ત થઈ હોય છે. પણ નિકાચિત ગતિબંધને કારણે પૂર્વ પાપોને ભોગવીને નિર્જરા કરવા માટે નરકમાં જવું પડે છે. આવા જીવો બીજા નારકીઓ કરતાં વિશેષ સમતાભાવથી દુ:ખનું વેદન કરતાં હોય છે તેથી તેમને વિશેષ નિર્જરા થાય છે. વળી, આ નારકીઓ બીજા નારકીઓને સખત વેદના આપવાનું અશુભ કાર્ય પૂર્વના સંસ્કારને કારણે કરતા હોતા નથી, તેથી તેમને નવો કર્માશ્રવ પ્રમાણમાં ઓછો થાય છે. આ પ્રકારે બીજાથી જુદી પડતી વર્તના જોઈ, તેનાથી પ્રભાવિત થઈ, કોઈક નારકી પૂર્વના શુભકૃત્યના પુણ્યના ઉદયથી પ્રથમ નારકીના આશ્રયે તે સમ્યક્ માર્ગમાં પ્રગતિ કરે છે. આ પ્રકારની પ્રક્રિયા પણ અપવાદરૂપે જ થાય છે; કારણ કે નરકમાં ભયંકર દુઃખોની પરંપરા એટલી બધી જોરદાર હોય છે કે જીવને સત્ની સૂઝ આવવી લગભગ અસંભવિત થઈ જાય છે. વળી, સમ્યક્દષ્ટિ જીવો ત્રીજી નરકથી નીચે ઉત્પન્ન થતા નથી, આથી નીચલી નરકોમાં સન્માર્ગ પામવાની સંભાવના નહિવતું થઈ જાય છે.
૩૧૬