________________
કેવળી પ્રભુનો સાથ
આ પ્રમાણે પ્રાર્થના કરનારે સૌ પ્રથમ પોતાની યોગ્યતા વધારવી રહે છે. તે પછી જેમના શરણે રહી પ્રાર્થના કરવાની છે તે આરાધ્યદેવની પાત્રતા સમજવી ઘટે છે. જો કોઈ એક તત્ત્વની માંગણી દાતા પાસે કરીએ તો તે તત્ત્વ દાતા પાસે હોવું જરૂરી છે. જેમ કે ધનની યાચના ધનિક પાસે કરવાથી સફળ થાય, નિર્ધન પાસે કરવાથી નિષ્ફળતા જ સાંપડે. વિદ્યાની પ્રાપ્તિ વિદ્વાન પાસેથી જ થઈ શકે, અન્નની પ્રાપ્તિ અન્નદાતા પાસેથી જ થઈ શકે વગેરે. એ જ પ્રમાણે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની સિવાય ન થઈ શકે, આત્મશાંતિ કે આત્મશુદ્ધિ તેની અનુભૂતિવાળા પાસેથી જ મળી શકે, જન્મ જરા અને મૃત્યુનાં કષ્ટથી છૂટવા આપ્તપુરુષના આશ્રયે જ જવું પડે, તે સિવાયનો સર્વ પુરુષાર્થ રેતીમાં ખેતી કરવાની જેમ નિષ્ફળ નીવડે. આમ ઇચ્છુકની જે જરૂરિયાત છે તે તેના દાતા પાસે હોવી અનિવાર્ય છે. સાથે સાથે પોતાની પાસે જે સંપત્તિ છે તેનું દાન કરવાની ભાવના દાતામાં હોવી અગત્યની છે. જો સંપત્તિવાનને સંપત્તિનું દાન કરવાની ભાવના જ ન હોય તો તેને કરવામાં આવેલી પ્રાર્થના ફળવાન થતી નથી. ઉદા. ત. ધન મેળવવા માટે ધનિકને પ્રાર્થવા જોઈએ એટલું જ નહિ એ ધનિકને ધનદાન કરવાની ભાવના પણ હોવી ઘટે. જ્ઞાન જ્ઞાની પાસેથી જ મળી શકે જો જ્ઞાનીની જ્ઞાનદાનની ભાવના વર્તતી હોય તો. આવું જ શાંતિ, દયા, ક્ષમા, શુદ્ધિ, સમતા, વિદ્યા વગેરે ગુણોની પ્રાપ્તિમાં પણ સમજવું ઘટે છે. તેથી પ્રાર્થના કરનારે પોતાની યોગ્યતાની ચકાસણી કર્યા પછી એ નિર્ણિત કરવાનું રહે છે કે જેને તે આરાધવા માગે છે તેની પાસે સંપત્તિ તથા સંપત્તિદાનની ભાવના છે. આમાનાં કોઈ એક તત્ત્વનો અભાવ યોગ્ય દાનકાર્ય થવા દેતાં નથી. ટૂંકમાં કહીએ તો અયોગ્યતારહિત વ્યક્તિ સમક્ષ યોગ્ય વ્યક્તિએ કરેલી પ્રાર્થના સફળ થાય છે.
સંસારમાં મોટાભાગની વ્યક્તિઓ સંપત્તિના અભાવથી અથવા સંપત્તિદાનની ભાવનાના અભાવથી પીડાતી હોય છે. વળી તેમાં પ્રાર્થકની અયોગ્યતા સંસારાર્થે થયેલી પ્રાર્થનાને સહેલાઇથી નિષ્ફળ બનાવે છે. બંને પક્ષની યોગ્યતાને આધારે જ પ્રાર્થનાનું સફળપણું સંભવે છે. સંસારાર્થે આ રીતે સફળ થયેલી પ્રાર્થનાથી ક્ષણિક સુખની જ પ્રાપ્તિ થાય છે, શાશ્વત સુખની પ્રાપ્તિ અસંભવિત જ છે.