________________
પ્રાર્થના
જીવ પાસે કોઈ પદાર્થ કે તત્ત્વ ન હોય અને તેને તે મેળવવાની બળવાન ઇચ્છા હોય તો તે જીવ હૃદયપૂર્વકની ઊંડાણભરેલી પ્રાર્થના કરી શકે છે. સાથે સાથે જેને પ્રાર્થનામાં આવે તેના પ્રતિ પૂજ્યભાવ તથા શ્રદ્ધા પણ જરૂરી છે, તે વિના જીવનું કાર્ય આગળ વધી શકતું નથી. તત્ત્વપ્રાપ્તિની બળવાન તાલાવેલી એ પ્રાર્થના કરવાનો અધિકાર આપે છે, કારણ કે તત્ત્વની અપ્રાપ્તિ એ તત્ત્વપ્રાપ્તિમાં અંતરાય સૂચવે છે. જ્યાં સુધી અંતરાય તૂટે નહિ ત્યાં સુધી તેની પ્રાપ્તિ સંભવે નહિ. આ અંતરાય તોડવા માટે તીવ્ર તાલાવેલી, ઝૂરણા તથા સપુરુષનું શરણું એ બળવાન નિમિત્તો છે. જો તાલાવેલી તીવ્ર ન હોય તો જીવ, તત્ત્વની અપ્રાપ્તિ વિશે અમુક અંશે તટસ્થ રહે છે અને ઝૂરણા વેદતો નથી. પરિણામે અંતરાય તૂટતી નથી. અને ઇચ્છિતની પ્રાપ્તિ દૂર ઠેલાય છે. આમ અપ્રાપ્ત તત્ત્વને મેળવવાની બળવાન ભાવના તથા તેના અનુસંધાનમાં આવતી ધગશ એ પ્રાર્થના કરવા માટે પહેલું અને અગત્યનું તત્ત્વ છે.
તત્ત્વ મેળવવાની પોતાની ભાવના બળવાન કરવા માટે, પ્રાર્થને પ્રાર્થના કરવાનો હેતુ પહેલાં નિશ્ચિત કરવાની જરૂર છે. પોતે જે મેળવવા ઇચ્છે છે તેની શી અગત્ય છે, તેનાથી પોતાને શા શા લાભ છે, તે ન મળે તો શા શા નુકશાન છે, વગેરેની જાણકારી તેને હોવી જરૂરી છે. એ ન હોય તો પ્રાર્થના કરનારમાં ઇચ્છાનું બળવાનપણું કે જોઈતાં ધગશ તથા ઉત્સાહ આવી શકતાં નથી. જેમકે કોઈ જીવનું પ્રાર્થના કરવાનું ધ્યેય સંસારથી મુક્ત થવાનું છે, તો તે મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરે છે. પ્રાર્થનામાં સજીવનપણું લાવવા માટે મોક્ષપ્રાપ્તિથી થતા લાભ, સંસારભ્રમણથી થતા ગેરલાભો, સંસારી પદાર્થોનું તુચ્છપણું, આત્મસુખનું ઉત્તમપણું વગેરે તેને સમજાવાં જોઈએ. તે વિના સંસારના ક્ષણિક સુખો તેને એવાં આકર્ષી જાય કે સંસારથી છૂટવા માટેની યોગ્ય ભાવવાહી પ્રાર્થના કરી શકે નહિ, તેના ભાવો પ્રાર્થના કરતાં કરતાં પણ સંસારી પદાર્થોના ભોગવટામાં જ રમતા રહે. તેથી પ્રાર્થનાનું ઉત્તમ સુંદર ફળ અનુભવવા મળે નહિ. આટલું તો સ્પષ્ટ જ છે કે બળવાન ઇચ્છા જીવને અન્ય પદાર્થો પ્રતિ આકર્ષાતા રોકી મૂળભાવનું દઢત્વ કરાવે છે.
- ૧૧