________________
કેવળી પ્રભુનો સાથ
હોય છે. આવા હળવાં તથા શુભ કર્મબંધ ભોગવવા જીવને કષ્ટરૂપ થતાં નથી, એટલું જ નહિ એના ઉદયનો ઉપયોગ તે વિશેષ કર્મક્ષય કરવા માટે પણ કરી શકે છે.
પ્રાર્થના કરવાથી એક વિશેષ લાભ પણ જીવને મળે છે. પ્રાર્થના વારંવાર કરતા રહેવાથી, તે ભાવનાનું ઘુંટણ વારંવાર થતું હોવાથી એ કર્મબંધ બળવાન થાય છે, અને જલદીથી ફળ આપે છે. ઉ.દા. સંસારથી છૂટવાની તાલાવેલીવાળો જીવ પ્રાર્થના કરે ત્યારે તેની પ્રાર્થનામાં છૂટવાના શુભભાવોનું ઘુંટણ વારંવાર થાય, અને તેના તે ભાવો વિશેષતાએ બળવાન થતા જાય, એટલે એ કાળ દરમ્યાન તેના સંસારીભાવ ઘટતા જાય, પરિણામે અંતરંગ સ્થિતિને અનુરૂપ કર્મબંધ થતાં હોવાથી છૂટવા માટેનું તેનું કર્મ બળવાન થાય છે.
આ નિબંધન કરેલાં કર્મનો જ્યારે ઉદય થાય છે ત્યારે તે જીવ આત્મા પર છવાયેલાં કર્મનાં દળને, પ્રાર્થના કરતી વખતે માગેલા પ્રભુના સાથની સહાયતાથી સહેલાઈથી તોડી શકે છે, અને ત્વરાથી પોતાની શુદ્ધિ વધારી શકે છે. પોતાની રીતે વર્તવાથી અતિ કષ્ટરૂપ લાગતું કર્મ તોડવાનું કાર્ય શ્રી પ્રભુના સાથથી જીવ સરળતાથી, સહેલાઈથી અને સહજતાથી કરી શકે છે.
આ મુદ્દાઓ વિચારતા પ્રાર્થનાનું મહાત્મ્ય તથા મહત્ત્વ સમજી શકાય છે. તેથી પ્રાર્થનાને ફળીભૂત કરવા માટે તેનું સ્વરૂપ સમજવું પણ એટલું જ આવકાર્ય ગણી શકાય.
પ્રાર્થનાનું સ્વરૂપ
જે પ્રાર્થનાનું આટલું મહાત્મ્ય છે અને આટલું મિષ્ટ ફળ છે; તે પ્રાર્થના યથાવિધિ અને યોગ્ય રીતે થાય તો તેનો ઉત્તમોત્તમ લાભ જીવને મળે. જો પ્રાર્થનામાં એકાદ અંગ નબળું રહી ગયું હોય તો તેનો શ્રેષ્ઠ લાભ મળી શકે નહિ તે દેખીતું છે. તેથી પ્રાર્થના કરવાને અધિકારી કોણ, આરાધ્યદેવ કોણ જોઈએ, પ્રાર્થના ક્યારે કરવી, કેવી રીતે કરવી, શું કરવી એ વગેરે તત્ત્વ વિશેની જાણકારી મેળવવી જરૂરી બને છે.
૧૦