________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
પૃથ્વીકાયરૂપે તે જીવ ઘણા લાંબા સમય સુધી જન્મમરણ કર્યા કરે છે. આ જન્મમરણની પ્રક્રિયાના કોઈક પ્રસંગે તે જીવ જ્ઞાનીપુરુષ કે સત્પરુષના સંપર્કમાં આવે છે, આ સંપર્કના કાળે જ્ઞાનીપુરુષનાં અંતરંગમાં સહુ જીવો માટેનો કલ્યાણભાવ પ્રવર્તતો હોય અને તેના નિમિત્તથી આવો પૃથ્વીકાય જીવ શુભભાવી બની પોતાનું આયુષ્ય પુરું કરે તો તે જીવ પૃથ્વીકાયપણું ત્યાગી અપકાય બની પોતાનાં જન્મમરણ કરે છે. અપ એટલે પાણી. પાણીનું સૂક્ષ્મ રૂપ આ જીવનું દેહબંધારણ થાય છે. આવા અસંખ્ય જીવો એકઠા મળે ત્યારે પાણીનું એક ટીપું બંઘાય છે. અને આવા અનંત ટીપાં ટીપાંથી નદી, સરોવર, સમુદ્ર આદિ પાણીકાય – અપકાય જીવોની બહુલતાવાળા સ્થળો બંધાય છે. આમ પૃથ્વીકાયમાંથી ઉત્કર્ષ પામવા માટે જીવને સપુરુષના કલ્યાણભાવની, તેનાથી પોતાના અવ્યક્ત પણ શુભભાવની અને આયુષ્યની પૂર્ણતાના સમયની જરૂર રહે છે. આ યોગ ન થાય ત્યાં સુધી જીવ પૃથ્વીકાયપણું ત્યાગી શકતો નથી. આ લોકમાં અસંખ્ય દ્વિપ તથા સમુદ્રો છે તેથી અપકાય જીવોની સંખ્યા નક્કી કરવી ઘણી ઘણી દુર્લભ છે. અપકાય જીવોને એક સ્પર્શેન્દ્રિય જ છે, તેનું જઘન્ય આયુષ્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય સાત હજાર વર્ષનું હોય છે, તે શ્રી કેવળીપ્રભુએ સમજાવ્યું છે.
અપકાયના જીવસ્વરૂપે તે અનંત જન્મમરણમાંથી પસાર થાય છે, મુખ્યતાએ કર્મ ભોગવતાં ભોગવતાં અમુક માત્રામાં તે જીવ હળવો થાય અને કોઈક દેહત્યાગના પ્રસંગે તેને કોઈ પુરુષ અથવા જ્ઞાનીપુરુષના પ્રબળ કલ્યાણભાવનું નિમિત્ત મળી જાય અને તેને પ્રવર્તતા ભાવો સૂક્ષ્મતાએ પણ શુભમાં પલટાય તો જ્ઞાનીપુરુષના કલ્યાણભાવના પ્રભાવથી તે જીવ અપકાયપણું ત્યાગી તેજસકાય જીવ બનવા ભાગ્યશાળી થાય છે. તેજસકાય એટલે તેજ અથવા અગ્નિનાં પરમાણુ જેની કાયા છે તેવો જીવ. તેજસકાય કે તેઉકાય થયેલો જીવ પણ માત્ર સ્પર્શેન્દ્રિય જ ધરાવે છે. આવા અનંત જીવોના સમૂહથી દીવાની એક જ્યોત અથવા તો અગ્નિની એક શિખા બને છે. આ પરથી સમજાય છે કે અનંતાઅનંત જીવો તેઉકાય રૂપે પરિભ્રમણ કરતાં કરતાં લાંબા ગાળા સુધી જન્મમરણ કરતા જ રહે છે. તેજસકાય જીવોનું જઘન્ય
૩૦૭