________________
કેવળી પ્રભુનો સાથ
અને સિધ્ધ થતા પ્રભુનાં નિમિત્તથી તે જીવનો આઠમો પ્રદેશ શુદ્ધ થવાથી તે જીવ નિત્યનિગોદની બહાર નીકળી જાય છે. જેના આઠ આત્મપ્રદેશો શુધ્ધ થયા ન હોય તેવો કોઇ પણ જીવ નિત્યનિગોદમાંથી બહાર નીકળવાની પાત્રતા ધરાવતો નથી. આમ નિત્યનિગોદમાંથી બહાર નીકળતા પહેલાં જીવે કેટલાય તીર્થકર પ્રભુ તથા કેવળી પ્રભુનો સાથ મેળવવો જરૂરી બને છે.
પ્રત્યેક કેવળી પ્રભુના સમુદ્યત વખતે તેમના આત્મપ્રદેશોનો સંપર્ક પામનાર જીવોના ભાવ અંશે અંશે શુભ થાય છે. આ રીતે અમુક માત્રામાં શુભ ભાવની પ્રાપ્તિ કર્યા પછી શ્રી તીર્થંકર પ્રભુનાં કલ્યાણક વખતે જે જીવો તેમના શુભ સંપર્કમાં આવે છે, તેમના એક પછી એક એમ સાત આત્મપ્રદેશો તેમના કલ્યાણકનું નિમિત્ત પામી નિરાવરણ થાય છે. એમાંથી એક જીવ એવો હોય છે, કે તેની શુભભાવના અન્ય જીવો કરતાં અમુક અંશે વિશેષ હોય છે. આ જીવ શ્રી તીર્થકર પ્રભુનાં નિમિત્તથી જ નિત્યનિગોદની બહાર નીકળે છે. તે જીવનો સાતમો અને આઠમો બે પ્રદેશ એક સાથે શુદ્ધ થાય છે. પરિણામે તે જીવને શ્રી તીર્થકર પ્રભુનું વીર્યબળ બીજા જીવો કરતાં ઘણું વિશેષ મળે છે. અને તેનું ફળ એ છે કે એ જીવ ભાવિમાં જ્યારે સિદ્ધ થાય ત્યાર પહેલાં તીર્થકર પદ શોભાવે છે. અર્થાત્ તીર્થકર પ્રભુનાં નિમિત્તથી બહાર નીકળનાર જીવ ભાવિમાં તીર્થકર થાય છે. આ જ પ્રમાણે શ્રી ગણધરની બાબતમાં બને છે. તેમણે પૂર્વમાં સહુ જીવ માટે એવી પ્રબળ કલ્યાણભાવના સેવી હોય છે કે તેમનાં નિમિત્તથી બહાર નીકળનાર જીવ ભાવિમાં ગણધર જ થાય છે. આ પણ પંચપરમેષ્ટિ ભગવંતનો આત્માનો અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવા માટેનો અમૂલ્ય સાથ ગણી શકાય.
ઈતર નિગોદમાં આવ્યા પછી જીવની પર્યાય ફરી જાય છે. તેથી તેને પૃથ્વીકાયરૂપે જન્મ મરણ કરતાં કરતાં ઘણો કાળ વ્યતીત થઈ જાય છે. શ્રી તીર્થકર પ્રભુનાં નિમિત્તથી જે જીવ બહાર નીકળે છે તે પહેલી યોનિમાં બીજા જીવોના પ્રમાણમાં અલ્પકાળ રહે છે, અને અન્ય જીવોની અપેક્ષાએ ટૂંકા ગાળામાં તે બીજી યોનિ પ્રાપ્ત કરે છે.
૩૦૬