________________
કેવળી પ્રભુનો સાથ
અને જ્યારે આ પાંચ પ્રકારના એકેંદ્રિય જીવો એકબીજા સાથેના સુમેળથી એકઠા મળે છે ત્યારે સંજ્ઞીપંચેન્દ્રિય જીવો માટે સૌંદર્યની ચરમ સીમા સર્જી ખૂબ શાતા આપે છે. પર્વત માળામાંથી નીકળી નદી વહેતી હોય, આસપાસમાં ફળફૂલથી લચેલાં વૃક્ષોની હાર હોય, મંદ આહલાદક પવન વાતો હોય, અને બે પર્વતના મધ્ય ભાગમાંથી ઊગતા સૂર્યનાં કિરણો તેજ પાથરી બધા પદાર્થોને દૃશ્યમાન કરતા હોય તે વખતનું સૌંદર્ય અનેક ચિત્રકાર તથા કવિને માટે ખૂબ પ્રેરણાદાયી છે તે આપણને ખબર છે. આ પરથી જીવનો અન્યને શાતારૂપ થવાનો સ્વભાવ એકેંદ્રિયપણાથી અછાનો નથી તેની પિછાન થાય છે. અને આ પ્રકૃતિની વિશેષ વિચારણા કરતાં આપણને સ્પષ્ટ થાય છે કે ત્રસકાયપણામાં જીવનો આ સ્વભાવ વિશેષ પ્રગટ થાય છે, અને સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્યપણામાં આત્માર્થ જાગ્યા પછી તેની ચરમસીમા સુધી વિકસે છે.
અસંજ્ઞીપણામાં જીવો જ્યારે અન્ય જીવોને શાતાકારી અને ઉપકારી થાય છે ત્યારે તેમને પુણ્યબંધ થાય છે, આ પુણ્યના પ્રભાવથી તેઓ શ્રી પુરુષના યોગમાં આવે છે અને તેમના થકી એકેંદ્રિયપણામાંથી સંજ્ઞી પંચેન્દ્રિયપણા સુધીનો વિકાસ સાધે છે. સંજ્ઞીપંચેન્દ્રિય થયા પછી જીવ સમજપૂર્વક અને ઇચ્છાપૂર્વક અન્ય જીવોને સહાય કરવાનું કાર્ય કરી શકે છે. પુણ્યકાર્ય કરવામાં જ્યારે ઇચ્છા અને સમજ ભળે છે ત્યારે પુણ્યબંધની વિશેષતા થાય છે, અને તે જીવ પોતાની ઇચ્છા પ્રમાણે પુણ્યનો સદુપયોગ કે દુરુપયોગ કરવા સ્વતંત્ર થાય છે. જીવ જ્યાં સુધી અન્ય જીવનું નિસ્વાર્થપણે શુભ કરવામાં પ્રવર્તે છે ત્યાં સુધી તેનો વિકાસ થયા કરે છે, જ્યાં સુધી તે જીવ પુરુષની આજ્ઞાએ અને ઇચ્છાએ ચાલે છે ત્યાં સુધી તેને ક્યાંય પાછા પડવાપણું રહેતું નથી. પણ જ્યારે તે જીવ પુરુષની ઇચ્છાનો અનાદર કરી, અવળો ચાલી સ્વાર્થની દુનિયામાં જઈ અન્યને કષ્ટ આપવાની પ્રવૃત્તિમાં જોડાય છે ત્યારથી તેની અધોગતિ શરૂ થાય છે. કારણ કે જીવ પોતાના આત્માના મૂળ સ્વભાવથી વિરુધ્ધ પ્રકારે વર્તન કરે છે. પુરુષની ભાવના તો એ છે કે પ્રત્યેક જીવે પોતાના આ સ્વભાવનું અપૂર્વપણું સૂક્ષ્મ એકેંદ્રિયપણાથી શરૂ કરી ઠેઠ સિદ્ધિ થતાં સુધી જાળવતાં રહી તેની ઉત્કૃષ્ટતા સુધી પહોંચાડવું જોઇએ.
૨૯૦