________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
પૃથ્વીકાયરૂપે જીવો અન્ય જીવોને હલનચલન કરવા માટે, બેસવા તથા સૂવા માટે ત્રસકાય જીવોને આધાર આપે છે. ત્રસકાય જીવો દ્વારા દબાઈ કે કચડાઈને પણ તે જ જીવોને સાથ આપે છે. સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યાદિને ઘર, રાચરચીલું, સાધનસામગ્રી રૂપે પરિણમી મદદ કરતા રહે છે. વળી પહાડ, ડુંગર, સપાટ મેદાન આદિ સ્વરૂપે સૌંદર્યનાં નિમિત્ત બની સંજ્ઞી જીવોને શાતાનું કારણ આપતાં રહે છે.
અપકાયરૂપે અર્થાતુ પાણીને શરીર બનાવી જીવનાર એકેંદ્રિય જીવ ત્રસકાય જીવોની તૃષા છીપાવે છે. શરીરનું સંચાલન કરવામાં મદદરૂપ થાય છે. મનુષ્ય આદિને સાફાઈ કરવાની પ્રવૃત્તિમાં સાથ આપે છે, અને જીવનમાં આધારરૂપ થાય છે. નદી, તળાવ, સમુદ્ર રૂપે સૌંદર્યનું પાન કરાવી અપકાય જીવો અન્ય અનેક જીવોને શાતાનું કારણ પણ થાય છે.
અગ્નિકાયરૂપ એકેંદ્રિય જીવો અન્ય ચક્ષુઇન્દ્રિયવાળાને અન્ય પદાર્થો જોવા માટે પ્રકાશ પૂરો પાડે છે. તેજસકાય જીવોના પ્રભાવથી મનુષ્યાદિ ચક્ષુઇન્દ્રિયવાળાને ભૌતિક પદાર્થો દૃષ્ટિગોચર થાય છે. એ જ રીતે રસોઈ આદિ બનાવવામાં તેઓ અગ્નિસ્વરૂપે નિમિત્ત થઈ જીવોને સાતાનું નિમિત્ત પૂરું પાડે છે. મનુષ્યો આ જીવોની સહાયથી રોશની આદિ સૌંદર્ય કરી ઉત્સવો ઉજવી શકે છે.
વાયુકાયરૂપે એકેંદ્રિય જીવો સર્વને શ્વાસોશ્વાસનું નિમિત્ત બની જીવાદોરી જાળવવામાં મદદરૂપ થાય છે. આ જીવો વાયરો બની અગ્નિના તાપને, ઉકળાટને હળવો કરી જીવોને શાતા આપે છે. અને શાંતિનું વાતાવરણ સર્જી અન્ય જીવો પર ઉપકાર કરતા રહે છે.
વનસ્પતિકાયરૂપે એકેંદ્રિય જીવો અન્ય ત્રસકાય જીવોનો આહાર બની, તેમને શક્તિ, સ્વાદ, વગેરે પૂરાં પાડે છે. વૃક્ષ, વેલી, લત્તા રૂપે પથરાઈ બાગ, બગીચા કે વનરાઈ બની જીવોને સૌંદર્ય અને શાતા પ્રદાન કરે છે. આમ વનસ્પતિકાય જીવો ત્રસકાયજીવો પર અનેકવિધ ઉપકાર કરતા જ રહે છે.
૨૮૯