________________
કેવળી પ્રભુનો સાથ
બીજી તરફ આઠે કર્મથી મુક્ત થઈ એક શુધ્ધાત્મા જ્યારે સિદ્ધ થાય છે, ત્યારે તેમના કલ્યાણભાવના પ્રભાવથી નિત્યનિગોદનો એક જીવ આઠમો રુચક પ્રદેશ મેળવી, ત્યાંથી ખેંચાઈને બહાર નીકળી, પૃથ્વીકાયરૂપે જન્મ ધારણ કરી પોતાનું સંસારનું પરિભ્રમણ શરૂ કરે છે. અને તે જીવ ક્રમે ક્રમે સપુરુષના પ્રભાવથી વિકાસ કરતો જાય છે. વળી, શુદ્ધાત્માએ સિદ્ધ થતી વખતે જે ઉત્તમકલ્યાણના પરમાણુઓ અન્ય જીવોને પૂર્ણ થવા ઉપકારી થાય તેમ હતા, તે જગતમાં વેરીને ઉપકારનું સર્વોત્તમ કાર્ય કર્યું હોય છે. કેમકે એ પરમાણુઓ સિધ્ધ થવાની સિદ્ધિ મેળવવા ખૂબ લાભકારી થતાં હોય છે. આમ અનંત અવ્યાબાધ સુખમાં બિરાજવા જતો આત્મા છેલ્લે છેલ્લે પણ એક આત્માને નિત્યનિગોદની કેદમાંથી છોડાવવાનું પુણ્યકાર્ય કરવાની સાથે સાથે કેવળીપ્રભુને સિદ્ધ થવા માર્ગદર્શનરૂપ થાય એવા કલ્યાણના પરમાણુની ઉત્તમ ભેટ આપતો જાય છે. આમ કોઈ પણ દશાએ વર્તતા આત્માને ઉપકારી થવું એવા આત્માના અપૂર્વ સ્વભાવનો પરિચય જગતના જીવોને પુરુષ તરફથી સતત મળતો જ રહે છે.
સૂક્ષ્મતાએ જો વિચારીએ તો જણાય છે કે અન્યને સહાય કરવી, મદદરૂપ થવું, ઉપકારી થવું એ આત્માનો મૂળભૂત નજરે તરી આવે એવો અપૂર્વ સ્વભાવ છે. અત્યાર સુધીની આપણી વિચારણાથી એ સિધ્ધ થયું છે કે જીવ સન્માર્ગે આગળ વધે ત્યાર પછીથી તે અન્ય આત્માઓને સહાય કરી તેમના ઉપર ઉપકાર કરવાની શરૂઆત કરે છે. અન્ય જીવોને શાશ્વત સુખ મેળવવા માટે નિમિત્ત બનતો રહે છે. એટલે કે આ પ્રકારનું પુણ્યકાર્ય કરવા માટે અમુક માત્રાની આત્મશુદ્ધિ કરવાની ઉપકાર કરવા માટે જીવને જરૂરત રહે છે. આત્માર્થનો વિચાર કરીએ તો આ વાત સત્ય છે, કેમકે પોતાની પાસે જ ન હોય તો તે બીજાને આપવા કેવી રીતે સમર્થ થાય? પરંતુ જીવના આ સ્વભાવનો આપણે ઊંડાણથી વિચાર કરીએ તો સમજાય છે કે જીવની બીજાને સહાય કરવાની વૃત્તિનો પડઘો તેના એકેંદ્રિયપણામાં પણ જોવા મળે છે. આત્માનો આ પરોપકારીપણાનો ગુણ એકેંદ્રિયમાં પણ આવિર્ભાવ પામતો હોય છે.
૨૮૮