________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
શેષ સર્વ કર્મપરમાણુઓનો ક્ષય કરી, એક જ સમયમાં કર્મભૂમિથી સિધ્ધભૂમિમાં પહોંચી જાય છે. અને તે પછીના સર્વકાળને માટે સિધ્ધભૂમિમાં રહી આત્માના સહજાનંદમાં એકરૂપ થઈ જાય છે.
કેવળી સમુદ્દાત વખતે પરોપકારનું એક અતિ અતિ ઉત્તમ કાર્ય તે કેવળીપ્રભુથી – ઉત્તમ સત્પુરુષથી થાય છે. પ્રબળ પાપના ઉદયના કારણે અનંત સૂક્ષ્મ નિગોદિયા જીવો ત્રસ નાડીની બહાર ફેંકાઈ જાય છે. ત્રસ નાડીની બહારના લોકમાં આ જીવો એક શ્વાસના અઢારમા ભાગ જેટલા અલ્પ આયુષે સતત જન્મમરણ કરતા જ રહે છે, અને અનંત દુ:ખ ભોગવતાં જ રહે છે, તેમને વિકાસ કરવા માટે કોઈ યોગ મળતો નથી. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે પ્રત્યેક વિકાસનાં પગલે જીવને શ્રી સત્પુરુષના યોગની અને સાથની જરૂરત રહે છે. ત્રસનાડીની બહાર જ્યાં ત્રસકાય જીવોનું અસ્તિત્વ પણ નથી, ત્યાં સત્પુરુષનો યોગ તો સંભવે જ ક્યાંથી? સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય રૂપ સત્પુરુષનો યોગ ત્રસનાડીમાં પણ ઘણો ઘણો દુર્લભ શ્રી ભગવાને કહ્યો છે, તો પછી જ્યાં ત્રસકાય જીવોનો પણ સંભવ નથી એવા ક્ષેત્રમાં સત્પુરુષનો યોગ કેવી રીતે શક્ય બને? તો આ રીતે ત્રસનાડીની બહાર ફેંકાયેલા જીવોને ત્રસનાડીમાં પ્રવેશવા અવકાશ ક્યારે મળે?
આવા જીવોને ત્રસનાડીમાં પાછો પ્રવેશ કરવા માટે એક અવકાશ રહેલો છે, અને તે છે કેવળી સમુદ્દાત. શ્રી કેવળીપ્રભુ જ્યારે સમુદ્દાત કરે છે ત્યારે તેમનો આત્મા આખા લોકમાં ફેલાય છે, અને એ વખતે એમના શુધ્ધ પ્રદેશો ત્રસનાડીની બહાર જ્યાં માત્ર સૂક્ષ્મ એકેંદ્રિય જીવ જ વસે છે ત્યાં પણ જાય છે. જ્યારે પ્રભુના શુધ્ધ પ્રદેશો વધારાના અઘાતી કર્મ પરમાણુને ખેરવી પાછા ફરે છે ત્યારે તે પ્રદેશોનું જે અવલંબન અમુક એકેંદ્રિય જીવ સ્વીકારે છે, તે જીવો પુણ્યપ્રભાવથી એ પ્રદેશને ચીટકી, તેની સાથે ખેંચાઈને ત્રસ નાડીમાં પ્રવેશ પામી જાય છે. તે પછીથી તેમનો વિકાસ શરૂ થાય છે. આમ કેવળી સમુદ્દાત વખતે કેવળીપ્રભુ અનેક જીવો પર ખૂબ ખૂબ ઉપકાર કરી આત્માના અપૂર્વ સ્વભાવનો પરિચય અન્ય જીવોને કરાવતા રહે છે.
૨૮૭