________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
પુરુષાર્થી જીવનો દૃષ્ટિકોણ થોડો જૂદો હોય છે. તે એ પ્રકારની વિચારણા કરતા હોય છે કે મારે મારી આત્મશાંતિ વધારવા માટે પુરુષાર્થ કરવો છે. તેવા જીવ કર્મ ક્ષય કરવા પર ધ્યાન કેંદ્રિત કરતા નથી, પણ આત્માની શાંતિ તથા સ્થિરતા વધારવા માટે આરાધન કરતા હોય છે, એટલે તેમનાં કેંદ્રસ્થાને આત્મશાંતિ તથા આત્મસ્થિરતાની અનુભૂતિ રહે છે. તેઓ કેટલાં કર્મ ગયાં તેનાં ગણિતને બદલે કેટલી આત્મશાંતિ વધી તેનું ગણિત વધારે કરતા રહે છે. અલબત્ત, કર્મ તોડે છે તેની શાંતિ વધે છે અને શાંતિ વધારે છે તેનાં કર્મ જાય છે એ હકીકત છે. પરંતુ આ બે જુદા દૃષ્ટિકોણથી વર્તતાં જીવોના લાંબાગાળાનાં પરિણામમાં ઘણો ફરક જોવા મળે છે, તે વિચારણીય છે.
કર્મક્ષય ક૨વાના હેતુથી પુરુષાર્થ કરનાર અને આત્મશાંતિ વધારવાના હેતુથી પુરુષાર્થ કરનાર જીવો આત્મદશામાં આગળ તો વધે જ છે, પણ મોટેભાગે તેનું પરિણામ જુદું જોવા મળે છે. કર્મક્ષયના હેતુથી પુરુષાર્થ કરનારને અમુક સમય પછી થાકનો અનુભવ આવે છે, તેનાં કેંદ્રસ્થાને કર્મ હોવાથી તેમનાં લક્ષમાં, ક્યારેક ક્યારેક ખાલીપો અનુભવાય છે. ખાસ કરીને જ્યારે કર્મનું બળવાનપણું હોય ત્યારે ‘આ ક્યારે પૂરું થશે?' એવી લાગણી તેને નાસીપાસીમાં ખેંચી જઈ પ્રમાદી બનાવે છે. અને એ પ્રમાદ આગળ વધે તો જીવને ઉપશમ શ્રેણિમાં પણ ખેંચી જાય છે. બીજી બાજુ આત્મશાંતિ માણવાના હેતુથી પુરુષાર્થ કરનાર જીવનાં દષ્ટિકેંદ્રમાં સુખ, શાંતિ અને સહજાનંદ રહેલાં હોવાથી તે જીવ થાક્યા વિના વાયુવેગે કર્મક્ષય કરી શકે છે. શાંતિ, સુખ તથા આનંદ એ પોતાનાં જ હોવાથી, પરનું અવલંબન તેમાં ન હોવાથી તેને થાક લાગતો નથી, અને તે કારણે તેને પ્રમાદ આવતો નથી. અપ્રમાદીપણે પુરુષાર્થ કરતા રહેવાથી તે જીવ સહજતાએ ક્ષપકશ્રેણિનું આરાધન કરી શકે છે. કર્મ એ પુદ્ગલરૂપ પ૨પદાર્થ છે, તેનાં લક્ષથી વર્તવાથી જીવ થાકે છે, પ્રમાદી થાય છે; ત્યારે સુખ, શાંતિ અને સહજાનંદ એ નિજસ્વરૂપ છે તેનાં લક્ષથી પુરુષાર્થ કરતાં જીવને થાક અનુભવવો પડતો નથી, પરિણામે તે અપ્રમાદી રહી શકે છે અને એ જીવ ક્ષપકશ્રેણિમાં જઈ ચારે ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય કરી નાંખે છે.
૨૭૯