________________
કેવળી પ્રભુનો સાથ
આ પ્રસંગે કોઈને વિચાર આવે કે સગુરુ મળ્યા પછી તેમના જ સહારે કર્મકટિ કરીએ તો ? સર્વજ્ઞ પ્રભુને પ્રાર્થવાની શી જરૂર? જરા ઊંડાણમાં સરકતાં સમજાય છે કે સદ્ગુરુ આપણને સાથ તો જ આપી શકે, જો કેવળીપ્રભુ – સર્વજ્ઞપ્રભુ એમને એ પ્રકારે પ્રેરણા કરે; કારણ કે સગુરુનાં મન, વચન અને કાયાની સોંપણી તો શ્રી સર્વજ્ઞપ્રભુને થઈ હોય છે. શ્રી સર્વજ્ઞપ્રભુ છે પરમાર્થ માર્ગના પ્રણેતા; તે માર્ગના પ્રચારક અને પ્રસારક છે શ્રી સદ્ગુરુ. જે મહામાર્ગ શ્રી પ્રભુએ તેમના શિષ્યો સમક્ષ પ્રગટ કર્યો છે તે મહામાર્ગને તે શિષ્યો સદ્ગુરુ સ્વરૂપે લોકો સમક્ષ પ્રકાશે છે. શ્રી સદ્ગુરુ તેમના પ્રત્યક્ષપણાને લીધે લોકોને ઉપકારનું બળવાન નિમિત્ત છે, અને તેમના પ્રેરણાદાતા છે શ્રી સર્વજ્ઞદેવ. શ્રી સર્વજ્ઞદેવ તરફથી આવતો કલ્યાણસ્ત્રોત અટકી જાય તો શ્રી સદ્ગુરુ નિષ્ક્રિય થઈ જાય. આમ સદ્ગુરુનો સાથ એ કેવળીપ્રભુનો જ સાથ કહી શકાય. વળી શ્રી સદ્ગુરુ ભાવિમાં કેવળી સ્વરૂપ પ્રાપ્ત કરવાના જ છે; તેથી ભાવિનયગમનયથી કહી શકીએ કે શ્રી સદ્ગુરુની સ્તુતિ તે શ્રી કેવળીપ્રભુની જ સ્તુતિ છે.
શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે જ્યારે જીવ શ્રી પ્રભુને પ્રાર્થે છે ત્યારે તે પોતાની અપૂર્ણતા અને પ્રભુની પૂર્ણતાનો હૃદયથી સ્વીકાર કરે છે. પોતા કરતાં વિશેષ સામર્થ્યવાળા શ્રી પ્રભુ પ્રતિ લક્ષ કેંદ્રિત થતાં જીવનો માનકષાય હણાય છે. શ્રી પ્રભુનાં અગણિત ગુણોનો વિચાર થતાં તેનામાં નમતા તથા વિનયગુણનો વિકાસ થાય છે. તેનો લાભ લઈ જીવ અતિ બળવાન ગણાતાં મોહનીય કર્મને હણવા શક્તિમાન થાય છે. વળી, વિનમ્રતા તથા વિનયથી થતા લાભોની જાણકારી માર્ગદર્શકના આશ્રયે આવતાં, જીવનાં નમ્રતા અને વિનયની અભિવ્યક્તિ અમુક જ વ્યક્તિ પૂરતાં મર્યાદિત ન રહેતાં, અન્ય અનેક વ્યક્તિઓ સુધી વિસ્તરે છે. જેના પરિણામે ક્રોધ, માયા અને લોભ કષાય સંકોચાય છે. આમ વારંવાર ઉત્તમ ભાવનાથી પ્રાર્થના કરતા રહેવાથી મહાબળવાન મોહનીય કર્મને નબળું પાડવાનું અને ક્ષય કરવાનું ઉત્તમ કાર્ય જીવ સહેલાઈથી કરી શકે છે. જે અન્ય ઘાતી કર્મો હળવા કરવામાં મદદરૂપ થાય છે.