________________
પ્રાર્થના
આ સંસારમાં સમર્થની પ્રાર્થના કરતા રહેવાનો અભ્યાસ જીવે વારંવાર કરતા રહેવો પડે છે. પ્રજા રાજાની સેવા તથા પ્રાર્થના કરે છે, સેવક શેઠની સેવા અને પ્રાર્થના કરતો રહે છે, નબળો સબળાની સેવા તેમજ પ્રાર્થના કરવામાં પોતાનું સફળપણું માને છે. આમ સેવ્ય સેવકના પાઠ ભજવાયા જ કરે છે. બધાં જ જીવોને સેવ્ય કરતાં સેવક થવાના પ્રસંગો વધારે આવ્યા હોય છે – પરિભ્રમણ કાળ દરમ્યાન. આ હકીકતના આધારે સમજી શકાય કે જીવે અનાદિકાળથી જે રીતિનો અભ્યાસ કર્યો છે તેનો સવળો ઉપયોગ જ તેણે કરવાનો છે. બીજી રીતે સફળતા મેળવવા કરતાં ભક્તિમાર્ગે પ્રાર્થનાના આશ્રયથી ભવકટિ કરવાનું આથી સહેલું બને છે.
શ્રી સર્વજ્ઞપ્રભુને, શ્રી પુરુષને કે જ્ઞાની પુરુષને પ્રાર્થતાં જીવ તે આત્માનું પોતા કરતાં ઉચ્ચપણું માન્ય કરે છે, સાથે સાથે તેમનું શરણ પણ માન્ય કરે છે, એ સત્કાર્યની સફળતા પૂરતું અને કાર્ય પૂરતું શરણ સ્વીકાર્ય બને છે. આ શરણાને લીધે, પૂર્વકાળમાં આવા ઉત્તમ આત્માઓ માટે જે કંઈ દોષદૃષ્ટિ જીવથી સેવાઈ હોય, અંતરાય બંધાઈ હોય, તે તોડવાનો ઉત્તમ અવકાશ મળે છે. વ્યવહારમાં જો કોઈનો અપરાધ થયો હોય તો તેનું ચૂકવણું તેમના તરફથી દુઃખ ભોગવીને થતું હોય છે, તેવે વખતે જો એ જીવ સમક્ષ પશ્ચાત્તાપપૂર્વક પ્રાર્થના કરી ક્ષમા માગવામાં આવે છે તો ઘણીવાર માફી પામી, દુઃખના ભોગવટાથી બચી જવાય છે. આ જ પ્રમાણે, અણસમજમાં અજ્ઞાનવશ, ઉત્તમ આત્માઓની અશાતના કરી જીવ બળવાન અંતરાય બાંધી બેઠો હોય છે. વળી તે અશાતનાના ફળ રૂપે તે જીવ સન્માર્ગ અને શાશ્વત સુખથી વંચિત બની સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે, તેને પ્રસંગે તે જીવ ઉત્તમ આત્માનાં શરણે આવી, પોતાનાં પૂર્વકર્મોની ક્ષમા મેળવવા જ્યારે તેમને પ્રાર્થે છે ત્યારે તેમના સહજ ઉત્તમ શુભ ભાવોના પ્રભાવથી જીવે બાંધેલી અંતરાયો ઓગળી જાય છે. પરિણામે તે જીવને બાકીનાં ઘાતકર્મોનો નાશ કરવાની પ્રેરણા તથા શક્તિ સહજપણે પ્રાપ્ત થાય છે. પૂર્વે બાંધેલી સર્વ અંતરાયો તોડવા માટે, સદેવને યથાર્થ પ્રાર્થના કરવા સિવાય બીજો કોઈ સહેલો, સરળ અને ટૂંકી માર્ગ નથી. જેટલા પ્રમાણમાં અંતરાય કર્મ ક્ષય થાય, તેટલા પ્રમાણમાં ઘાતકર્મોનો ક્ષય કરવાની સમજણ તથા શક્તિ જીવને મળતાં જાય છે.