________________
કેવળી પ્રભુનો સાથ
મેળવવું છે તે આત્મસુખ જેમની પાસે છે તેમની સેવના કરી. તે મેળવવાની રીત તેને સહેલાઈથી આવડી શકે છે. આ ભક્તિમાર્ગ છે. પ્રાર્થના કરવાથી થતા લાભો સંસારથી પર થવાના ભાવો જ્યારે જીવનાં મનમાં ઘૂંટાય છે ત્યારે તેનાં મનમાં શ્રદ્ધા હોય છે કે આ પ્રકારે છૂટેલા આત્માઓ છે ખરા. જે માર્ગનું આરાધન કરી તેઓ છૂટયા છે, તેની જાણકારી પોતાને મળે તો પોતાનું કાર્ય ઘણું સહેલું થઈ જાય અને સફળતા સહેલાઇથી આવે. માર્ગની જાણકારી તથા માર્ગદર્શકની ખોટ પૂરવામાં પ્રાર્થના ખૂબ મદદરૂપ થાય છે. સંસારમાં પરિભ્રમણ દરમ્યાન દુઃખથી નિવૃત્ત થવાના પોતાના અનેક પ્રયત્નો હોવા છતાં, અનંતકાળ વ્યતીત થયે પણ દુઃખનિવૃત્તિ થઈ નથી તે જ દુઃખમુક્તિનો માર્ગ મેળવવા માટેનું દુર્ધટપણું પુરવાર કરે છે. કેટલીયે વખત સ્વચ્છંદે માર્ગપ્રાપ્તિ કરવા જતાં વિઘ્નોની માત્રા અજાણપણાને કારણે વધી જવાના પ્રસંગો પણ બનતા રહે છે. આને બદલે જીવ જ્યારે સત્પરુષના આશ્રયે રહી દુ:ખથી નિવૃત્તિ માગે છે ત્યારે તેના પ્રયત્નના પ્રમાણમાં બે, ચાર કે છ ભવમાં દુ:ખથી પૂર્ણ નિવૃત્તિ પામી શકે છે. આ હકીકત પ્રાર્થનાનાં બળને તથા તેનાથી થતા લાભને પ્રત્યક્ષ કરી બતાવે છે. શ્રી પ્રભુની સહાય વિના, નિજ છંદે ચાલી, કાર્ય સફળ કરવા જીવ મથ્યા કરે તો અનેક લબ્ધિ સિદ્ધિ કે સમૃદ્ધિરૂપ લાલચો વિઘ્નરૂપ બની, જીવને આર્ત તથા રૌદ્રધ્યાનમાં ગૂંચવી મારી અનંતકાળ સુધી મુક્તિથી વિમુખ રાખી શકે છે. આ કારણે ભવાટવી પાર કરવા માટે સત્પરુષરૂપ ભોમિયાની અને મોક્ષમાર્ગરૂપ કેડીની પ્રાપ્તિ આવશ્યક છે. ભોમિયાના સાથથી ગમે તેવી ભયંકર અટવી ભૂલા પડ્યા વિના સહેલાઇથી પાર કરી શકાય છે, તે પ્રમાણે પુરુષના સાથથી અને કૃપાથી અતિ ભયાનક ભવાટવી સહેલાઇથી પાર કરી શકાય છે. શ્રી પુરુષનાં હૃદયમાં “સહુનું કલ્યાણ થાઓ” એ ભાવ મૂર્તરૂપે વસતા હોવાથી જે કોઇ તેમની સહાય માગે તેને તેઓ સાથ આપે છે. આમ છતાં ‘અપાત્રે દાન ના દોષથી બચવા તેઓ વણમાગ્યો સાથ આપતા નથી. ઉત્તમ આત્માઓનો છૂટવા માટે હૃદયથી સાથ માગવો એ સાચી પ્રાર્થના છે અને “મુક્તિ' એ પ્રાર્થનાનું ફળ છે.