________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
સ્વચ્છંદનો મહદ્ મહદ્ અંશે ક્ષય થાય છે. જ્ઞાનથી જે જાણ્યું હતું, દર્શનથી જે જોયું હતું, તેના જ અનુભવમાં આત્મા સ્થિર થઈ જાય છે. એટલે જીવનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્ર વચ્ચેની ભેદરેખા આત્માનુભવ કરતી વખતે ભૂંસાઈ જાય છે. અને આ દશા જીવને સર્વ જીવનું કલ્યાણ કરી શકવાની ક્ષમતા સુધી પહોંચાડે છે. તે આત્મા સત્પુરુષ થઈ, અપૂર્વ આરાધન કરી, અપૂર્વ સ્વભાવને પ્રગટ કરવા માટે અન્ય જીવોને પ્રેરણાદાતા બનતો જાય છે. પોતે જે માર્ગે વિકાસ કર્યો છે, તે માર્ગનું તેને એવું સ્પષ્ટ જાણપણું આવે છે કે તેઓ અન્ય જીવોને ઉત્તમતાએ માર્ગદર્શન આપી શકે છે. માર્ગનાં ભેદરહસ્યોની જાણકારી તેને સત્પુરુષ પાસેથી મળે છે. તેના આધારે પોતાના ગુણોને ખીલવે છે, અને પોતે સત્પુરુષરૂપ થઈ ગુણોને આત્મસાત્ કરી, માત્ર નિષ્કારણ કરુણાથી અન્ય જીવોને સહજતાએ સહાયરૂપ થાય છે. આવો નિર્વ્યાજપણે નિષ્કારણ કરુણા ક૨વાનો જીવનો ખીલતો સ્વભાવ તે તેના સ્વભાવની અપૂર્વતાનું અપૂર્વપણું છે. આવું અપૂર્વપણું જીવમાં સાતમા ગુણસ્થાન સુધી વિકાસ કર્યા પછી પ્રગટ થાય છે.
સાતમા ગુણસ્થાને અપ્રમત્ત સંયમ હોય છે. તે વખતે જીવનો એવો પુરુષાર્થ હોય છે કે તેનામાં પ્રમાદ રહેતો નથી. વિકલ્પ કે વિચારનું અસ્તિત્વ એ પ્રમાદ છે, અને સ્વરૂપસ્થિરતા એ અપ્રમાદ છે. સંકલ્પ, વિકલ્પ અને વિચાર રહિત સ્થિતિમાં, આત્માને સ્વરૂપમાં નિમગ્ન રાખવો એ અપ્રમત્ત દશા છે. સાતમા ગુણસ્થાને જીવની એવી સ્થિતિ હોય છે કે સામાન્ય જીવની અપેક્ષાએ અને ધર્મધ્યાનની અપેક્ષાએ સંકલ્પ વિકલ્પ હોતા નથી, મુખ્યતાએ નિર્વિચારપણું પણ રહે છે, પરંતુ શ્રી કેવળીપ્રભુની અપેક્ષાએ સંકલ્પ વિકલ્પ તો હોતા નથી, પરંતુ સૂક્ષ્મતાએ સવિચા૨૫ણું રહેતું હોય છે. જ્યાં સુધી જીવ ઘાતી કર્મોથી પૂર્ણતાએ છૂટે નહિ ત્યાં સુધી આવી નિર્વિકલ્પ સ્થિતિમાં જીવ અંતર્મુહૂર્તથી વધારે કાળ માટે રહી શકતો નથી, એથી નાના કાળ માટે આવી સ્વરૂપ નિમગ્નતા માણે છે, અને કોઈને કોઈ પ્રકારના મોહનો ઉદય આવતાં તે વિકલ્પમાં સરી પડે છે. એ વખતે જે અતિસૂક્ષ્મ વિચારો વર્તે છે, તે બળવાન શુભ પ્રકારના જ હોય છે, તેથી તે વખતે જીવને શુભ કર્મોનો આશ્રવ થાય છે. અશુભ કર્મોનો આશ્રવ નહિવત્ સંજ્વલન કષાય પૂરતો મર્યાદિત જ હોય છે. મોહનીયનો
૨૬૭