________________
કેવળી પ્રભુનો સાથ
જીવોને થયા જ કરે છે, અને ઇરાદાપૂર્વક કર્મની ઉદ્દીરણા કરી, પરિપક્વ થયા પહેલાં જ કર્મને ખેંચીને ભોગવી લેવાં, અર્થાત્ અપૂર્ણ સ્થિતિએ કર્મને પરિપક્વ બનાવી, ભોગવીને ખેરવી નાખવાં તે અવિપાક નિર્જરા છે. આવી અવિપાક નિર્જરા વ્રતધારીને થાય છે. સાધકને જેમ જેમ ઉપશમભાવ તથા તપની વૃદ્ધિ થાય છે તેમ તેમ નિર્જરાની પણ વૃદ્ધિ થતી જાય છે, અને તેમાંય ધર્મધ્યાન તથા શુક્લધ્યાનના આરાધનથી તેથી પણ વિશેષ નિર્જરા થાય છે.
સાધક બાર પ્રકારે તપ આચરી શકે છે તેમાં છ બાહ્યતપ છે, અને છ આંતરતપ છે. અનશન, ઉણોદરી, રસ પરિત્યાગ, વૃત્તિસંક્ષેપ, કાયક્લેશ અને સંલીનતા એ છ બાહ્યતપ છે, ત્યારે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન એ છ આંતરતપ છે. આ બધામાં પ્રાયશ્ચિત તથા ધ્યાનના સેવનથી વિશેષ નિર્જરા થઈ શકે છે. જે જે ભૂલો કરીને જીવે ભૂતકાળમાં કર્મનો જમાવ કર્યો હતો, તે તે ભૂલો માટે પશ્ચાત્તાપી થઈ પ્રાયશ્ચિત લઈને, તેમ કરવામાં અંતરંગથી દુઃખનું વેદન કરીને જીવ કેટલેક અંશે ભાવિનું કર્મ વર્તમાનમાં ભોગવી લે છે, અને તેટલા પ્રમાણમાં એ કર્મની નિર્જરા કરી, તેનાં ચડતાં વ્યાજથી બચી જાય છે. આમ ભૂલનો પરિપાક થઈ કર્મનો ઉદય આવે ત્યારે તે અશાતા વેદતાં વેદતાં જીવ કરેલી ભૂલની હ્રદયથી ક્ષમા માગી, પશ્ચાત્તાપ કરી પ્રાયશ્ચિત સ્વીકારતો જાય તો સવિપાક નિર્જરા સાથે સાથે અવિપાક નિર્જરા પણ કરી શકે છે, અને એ પ્રકારે તે કર્મની નિર્જરાની ઝડપ અસંખ્યગણી પણ કરી શકે છે. આ ઉપરાંત, જીવને ક્ષમા માગતી વખતે હ્રદયમાં પશ્ચાત્તાપ વહેતો હોવાથી નવાં કર્મબંધનાં કારણો પણ શિથિલ થઈ જાય છે. પરિણામે નવાં કર્મોનો આશ્રવ પણ એ સમયે અસંખ્યાતમા ભાગનો પણ થઈ શકે છે. એક કવિએ કહ્યું છે કે
-
૨૬૪
-
“હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે, રાજ્યોથી કે જુલમવતી કે દંડથી ના બને જે, તે પસ્તાવો સહજ વહતાં કાર્ય સાધી શકે છે.”