________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
વર્તતાં શીખતો જાય છે. જેમ જેમ તેમ કરવામાં તે સફળ થાય છે તેમ તેમ તેનો સ્વચ્છંદ નાશ પામી પરમાર્થ પ્રકાશિત થતો જાય છે. અને ત્રણે યોગ પ્રભુનાં શરણમાં સમર્પિત થાય ત્યારથી તેનું જીવન પરમાર્થમય બને છે. જીવનું સમકિત તેને નિજ સ્વભાવનાં અનુભવ, લક્ષ અને પ્રતીતિ સાથે જીવતાં શીખડાવે છે.
જેને આત્માનુભવ થાય છે, ભેદવિજ્ઞાન થાય છે તે જીવ સંસારને નાટક માની રહે છે. સંસારમાં તેઓ એકરૂપ થતા નથી. ભેદવિજ્ઞાન થયા પ્રથમ અનેકાનેક સંસારી પદાર્થો તેને આકર્ષક અને પોતારૂપ લાગતાં હતાં, પરંતુ ભેદવિજ્ઞાનના પ્રભાવથી સંસારી પદાર્થોનું તેનું આકર્ષણ ક્રમથી ક્ષીણ થતું જાય છે. તેમની સાથેનું પૂર્વનું એકપણું ભિન્નપણામાં પરિણમે છે. અને આત્માનુભૂતિ માણતાં માણતાં તે જીવની એક કાળે એવી સ્થિતિ આવે છે કે સંસારી પદાર્થોનો ભોગવટો કે સંપર્ક તેને કેદ જેવો લાગે છે. આખો સંસાર કેદ સમાન અકળાવનારો તેને લાગે છે. સંસારની સર્વોત્કૃષ્ટ સંપત્તિ પણ તેને આકર્ષણનું નિમિત્ત થઈ શકતી નથી. ચક્રવર્તી તથા ઈન્દ્રની સર્વોત્તમ સંપત્તિ પણ તેને અનાકર્ષક ભાસે છે. અને પોતાના સ્વરૂપની ૨મણતા તેને ખૂબ જ આકર્ષક જણાય છે. પરિણામે તે જીવની એવી દશા પ્રવર્તે છે કે કોઈ પણ કાર્ય કરતાં, આહાર, વિહાર, નિહાર કરતાં, ઇન્દ્રિય તથા માનનો જય કરતાં, નિદ્રા, મૌન, શીલ, તપ, વ્રત, સંયમ, દાન, સ્તુતિ આદિ કોઈ પણ પ્રવૃત્તિ કરતાં આત્મસ્વરૂપની રમણતામાં રહેવું છે એવા ભાવ રહ્યા કરે છે. આ બધી ક્રિયા મારે કર્મવશાત્ કરવી પડે છે, પણ હું તેનાથી ૫૨ છું એ સ્મરણ તેને સતત વર્તતું હોય છે. આથી વિશેષતાએ કર્મ નિર્જરા કરી આત્મસ્મરણ ત્વરાથી વધે તેવી રીતે તેઓ રહે છે. આવો આત્માર્થી ગમે તે ધર્મ સાધનમાં પ્રવર્તતાં કે અન્ય સાધનમાં પ્રવર્તતી વખતે પણ એક આત્માર્થના લક્ષથી જ પ્રવર્તન કરે છે. ટૂંકાણમાં ‘સ્વરૂપ પ્રતીતિ'ને સમજવા માટે એમ કહી શકાય કે પૂર્વકાળમાં જીવનું વર્તન સંસારની શાતા મેળવવા અને તેમાં રાચવા માટે જ હતું. તે લક્ષથી છૂટી, તે જીવ આત્મલક્ષે જે કંઈ કર્માધીન ઉદયાધીન પ્રવૃત્તિ કરવી પડે તે કરે છે. પૂર્વે પ્રવર્તતાં રાગદ્વેષ, જેનું નામ પ્રવૃત્તિ છે તેનો તે નિરોધ કરે છે. રાગદ્વેષનો નિરોધ
—
૨૫૯