________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
પરિભ્રમણ વધારવારૂપ દંડ તે પોતાના આત્માને કરતો હતો. આશ્રવ ભાવનાનો વિચાર કરતાં તેને આ સમજણ લાધે છે, તેથી તે જીવ નક્કી કરે છે કે હવે મારે આવી કોઈ વિપરીત આચરણા કરવી નથી. જે રીતે મારું કલ્યાણ થાય તથા મારી શુદ્ધિ વધતી જાય એ જ રીતે મારે વર્તવું છે, એટલે કે મારે હવે શ્રી પ્રભુ અને ગુરુની આજ્ઞા અનુસાર વર્તવું છે. આ નિર્ણય કરતાંની સાથે તેને અનુભવ થાય છે કે પોતાને ઇચ્છિત વર્તન તે કરી શકતો નથી, અને વારંવાર થતા આવા અનુભવને કારણે પોતાની નિર્બળતા અને અસહાયતાનું સભાનપણે દુઃખી કરે છે. અને આ દુઃખદાયી સ્થિતિમાંથી બહાર નીકળવા તે જીવ, જે સત્પરુષે તેને સન્માર્ગ સમજાવ્યો, આચરવા ઉત્સાહીત કર્યો, તેની જ સહાય લેવા પ્રવૃત્ત થાય છે. તેના હૃદયમાંથી પોતાને જે કરવું છે, જે મિથ્યા સમજણનો નાશ કરવો છે તેને માટે પ્રાર્થના થાય છે. તેનાથી વારંવાર જે ચૂક થાય છે તે ન થવા દેવા માટે પ્રભુ પાસે તે જીવ બળ માગે છે, પોતે કોઈ ખોટી વિચારણામાં ચડી ન જાય, લોકપ્રવાહમાં દોરવાઈ ન જાય તે માટે ખૂબ સહાય માગે છે. અંતરનાં ઊંડાણથી થતી આવી પ્રાર્થના તેના સમ્યક્દર્શનને શુદ્ધ કરવામાં મદદ કરે છે. તેમ છતાં પણ પૂર્વ કર્મના ઉદય તથા વર્તતી નિર્બળતાને કારણે જીવથી ભૂલ થઈ જાય છે, તેને માટે તે પશ્ચાત્તાપી થઈ ક્ષમાયાચના કરે છે. આમ કરવાથી કર્મનિર્જરા સકામ સ્વરૂપ ધારણ કરી બેવડાય છે. આ કારણે વિકાસની પ્રારંભિક દશામાં પ્રાર્થનાનું બળવાનપણું વિશેષ જરૂરી છે. જેમ જેમ પ્રભુને તથા ગુરુને પ્રાર્થના વિશેષ થતી જાય છે, તેમ તેમ જીવની અંતરાયો તૂટે છે, અને સ્વરૂપ પ્રગટ કરવાની શક્તિ વધતી જતી હોવાથી, પ્રભુ પ્રતિનું શ્રદ્ધાન પણ વધતું જ જાય છે. તેને લાગે છે કે પ્રભુને ભજતાં કાર્યશક્તિ વધતી જાય છે, એટલે તે વધારે શ્રદ્ધાથી પ્રાર્થના કરી શકે છે. પરિણામે આગળ વધતાં વધતાં તે જીવ પોતાનાં સ્વરૂપની અનુભૂતિ પામવા જેટલો વિકાસ કરી શકે છે.
જીવને સહુ પ્રથમ સ્વરૂપની પ્રતીતિ ચોથા ગુણસ્થાને આવે છે. તે વખતે તેને પ્રત્યેક ગુણાંશોનો સ્પષ્ટ અનુભવ થાય છે. આ સર્વ ગુણોના અંશોનો અનુભવ કરવા માટે જીવે દેહાદિ પ્રત્યેક પદાર્થોથી આત્માનું સ્પષ્ટ ભિનપણું અનુભવવું જરૂરી છે.
૨૫૩