________________
કેવળી પ્રભુનો સાથ
અનંત સૌખ્ય નામ દુ:ખ, ત્યાં રહી ન મિત્રતા! અનંત દુઃખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં વિચિત્રતા! ઉઘાડ ન્યાયનેત્રને, નિહાળ રે! નિહાળ તું; નિવૃત્તિ શિધ્રમેવ ધારી, તે પ્રવૃત્તિ બાળ તું.
(ભાવના બોધ, શ્રીમદ્ રાજચંદ્ર),
જીવને સપુરુષ સંબોધે છે કે હે ભવ્ય! જ્યાંથી અનંત સુખ પ્રાપ્ત થાય છે, અને જ્યાં નામનું પણ દુઃખ નથી એવા દેવ, ગુરુ, ધર્મ પ્રતિ તને પ્રીતિ થતી નથી, અને જ્યાં અનંત દુ:ખ ઉભરાય છે, અને નામનું સુખ પણ મળતું નથી એવા સંસારમાં સતત પ્રીતિ વેદે છે! તારી વિવેકશક્તિને જાગૃત કરી, ન્યાયનેત્રથી આ સ્થિતિનો વિચાર તો કર! સાચું સમજી, પ્રીતિના સાચા સ્થાનક માટે પ્રીતિ કરવા તું આ સંસારથી ત્વરાથી નિવૃત્તિ મેળવ એ જ અમારી ભલામણ છે.
આવી ભલામણનું પ્રમાણિક કારણ સમજાવવાં શ્રી પુરુષ જીવને સાચી હકીકતનું ભાન કરાવે છે. તેઓ મનુષ્યાદિને સમજાવે છે કે હે જીવ! આ સંસારભ્રમણનો મોટામાં મોટો કાળ તેં અસંજ્ઞીપણામાં અને તેમાંય એકેંદ્રિયપણામાં વ્યતીત કર્યો છે. આ કાળમાં તને શાતા મેળવવાનો કોઈ અવકાશ જ ન હતો. અસંજ્ઞીપણામાં ‘શાતા મેળવવી છે' એવી ઇચ્છાનું સભાનપણું જ ન હોવાથી, તે મેળવવા માટેનો કોઈ જ પ્રયત્ન જીવથી થઈ શકતો નથી. એકેંદ્રિયપણામાં જીવ અનંતકાળ પસાર કરે છે. તેને માત્ર એક સ્પર્શેન્દ્રિય જ હોય છે, અને આયુષ્ય અલ્પ હોવાથી વારંવાર તે જીવને જન્મ તથા મરણનાં અકથ્ય દુ:ખમાંથી પસાર થવું પડે છે. તે જીવ જ્યારે સપુરુષના કલ્યાણભાવનો સ્પર્શ પામી, તેમના યોગે ત્રસકાયપણું પ્રાપ્ત કરે છે ત્યારે તે સ્વથી હલનચલન કરી શકે તેવી બે થી પાંચ ઇન્દ્રિય સુધીનો વિકાસ કરે છે. આવા ત્રસકાયસ્વરૂપે જીવ ઉત્કૃષ્ટતાએ ૨૦૦૦ સાગરોપમ કાળ સુધી ટકી શકે છે. તે ગાળા દરમ્યાન જો તે સિદ્ધ અવસ્થા મેળવી ન શકે તો તે જીવ ફરીથી એકેંદ્રિય થઈ અનંતકાળ તેમાં જ વીતાવે એવું પણ બને છે.
૨૨૪