________________
પ્રાર્થના
મળેલા અમૂલ્ય મનુષ્ય જન્મનો સદુપયોગ કરી લેવો ઘટે એવી સમજણ હોતી નથી, અથવા એવી આવડત હોતી નથી. તેથી મનુષ્યોનો મોટો હિસ્સો ઉદિત કર્મોને વશ વર્તી, સ્વચ્છેદે નિર્ણયો કરી, હેય ઉપાદેયની યોગ્ય સમજણને વેગળી રાખી વર્તતો હોય છે. પરિણામે પૂર્વની ભૂલોનો ભોગવટો કરતાં કરતાં અયોગ્ય ભાવો તથા આચરણ કરી, નવાં કર્મોની વણઝાર બાંધી ભવિષ્યની માઠી ગતિ અને દુ:ખની પરંપરાને આમંત્રી બેસે છે. આમ અમૂલ્ય જન્મને વેડફી નાખી, જે દેહમાં વસીને સંસારક્ષયનું ઉત્તમ ફળ મેળવી શકાય, તે જ દેહમાં રહ્યા રહ્યા સંસારવૃદ્ધિનું અનિચ્છનીય ફળ મેળવે છે. આ પ્રકારની દુ:ખદ સ્થિતિમાં, દુ:ખ દૂર કરવાની ભાવના કંઇક જીવોને ઉત્પન્ન થાય છે. તે જીવો પોતાની ભાવના સાકાર કરવા પોતપોતાની મતિ અનુસાર મચી રહે છે. તેમાંના કોઇક વિરલા જીવને જ આ દુઃખદ સ્થિતિમાંથી બહાર નીકળવાનો મહામાર્ગ અર્થાત્ પરમાર્થ મૌક્તિક લાવે છે.
અનંત પ્રકારનાં દુઃખથી ભરેલા આ સંસારથી મુક્ત થવાના ભાવ જ્યારે જીવને જાગૃત થાય છે ત્યારે તેની દૃષ્ટિ, સુખી કોણ છે તથા તે સુખ કેવી રીતે મળે તે જાણવા તરફ વળે છે. પોતાની દૃષ્ટિએ જે જીવ સુખી જણાય તેનો અનુનય કરી, તેની પાસેથી સુખની ચાવી મેળવી લેવા તે ઉત્સુક થાય છે. પોતાને જે જોઈએ છે તે આપનાર જે છે, તેના સમક્ષ તે લેવા માટે યાચના કરવામાં “પ્રાર્થના' સમાય છે. સાદા શબ્દોમાં કહીએ તો “પ્રાર્થના એટલે “પોતાને જે જોઈએ છે તે મેળવવા માટે તેના ધારક સમક્ષ તેનું દાન કરવા વિનંતિ કરવી.”
સામાન્યપણે જીવને બાહ્યદૃષ્ટિ પ્રવર્તે છે, તેથી જીવ બાહ્યસમૃદ્ધિમાં સુખ સમાયેલું છે તેવી માન્યતામાં રાચે છે. તેથી જે જીવ નિધન હોય તે ધનપ્રાપ્તિમાં સુખ માને છે, સત્તા ન હોય તેવો જીવ સત્તાપ્રાપ્તિ માટે તડપે છે, કુટુંબ ન હોય અથવા તો એકાકી હોય તે કુટુંબ વૃદ્ધિમાં પોતાનાં સુખની સીમા ગણે છે વગેરે. તેથી જીવ જેની પ્રાપ્તિ કરવા માગતો હોય, તેની પ્રાપ્તિ અર્થે તેના ધારકની સેવા કરી, તેની પ્રાપ્તિ કરી સુખી થવાની કલ્પનામાં પોતાનું જીવન વ્યતીત કરતો હોય છે. આ જાતની સાંસારિક પ્રાર્થના કરતાં રહેવાનો મહાવરો જીવને સંસારના પરિભ્રમણ દરમ્યાન સતત મળતો રહે છે.