________________
કેવળી પ્રભુનો સાથ
બાળક, બાળપણમાં માતાપિતાને આધીન વર્તી, તેની જરૂરિયાત સંતોષતું રહે છે, અભ્યાસકાળ દરમ્યાન શિક્ષક આદિને વશ રહી ઇચ્છિત પ્રાપ્ત થાય તે માટે મથતું રહે છે, યુવાનીમાં વ્યવહારિક ડાહ્યાઓના માર્ગદર્શન નીચે જીવ પોતાનું ઘડતર કરતો રહે છે, ત્યારે વૃદ્ધાવસ્થામાં પોતાની જરૂરિયાતની પૂર્તિ અર્થે તે સંતાનોને વશ રહેતાં શીખી જાય છે. આ પ્રકારની પરાધીન હાલત અન્ય ગતિઓમાં પણ જોવા મળે છે. આ રીતે જીવે જેમાં સુખ માન્યું છે, તે સુખ મેળવવા માટે તે જીવ કોઈ તથા કોઈને વશ જીવનભર વર્યા કરે છે, અર્થાત્ મનમાન્યા સુખના ધારકની પ્રાર્થના કરતો રહે છે. કેટલીક વખત જીવ મનુષ્યને થતી પ્રાર્થનાથી અસફળપણું અનુભવીને, જેમના બાહ્ય સામર્થ્યની સમજણ આવી છે એવા દેવદેવીઓની પ્રાર્થના તથા સેવા કરી, તેમની પાસેથી સહાય અને સમૃદ્ધિ મેળવવાની ભાવના કરતાં દેખાય છે. પરંતુ આ બધી સાંસારિક પ્રાર્થનાઓમાં એક જાતનું ક્ષણિકપણું રહેલું છે. આ પ્રાર્થના દ્વારા કેટલીક વાર ઇચ્છિતની પ્રાપ્તિ થતી નથી, કેટલીક વાર તે પ્રાપ્ત થાય છે પણ ઈચ્છિત ટકતું નથી, તો ક્યારેક ઇચ્છાનુસાર મળ્યા પછી, અને ટકે છતાં તેમાંથી સુખની અનુભૂતિ જાગતી નથી. આમ જીવને વારંવાર અનિત્યતા અને ક્ષણિકતાના અનુભવમાંથી પસાર થવું પડે છે. આવા પ્રકારની સ્થિતિ લાંબા ગાળા સુધી ચાલુ રહે ત્યારે કોઇક વિરલા જીવને, ટકે એવું સુખ કેવી રીતે મળે, સંસારના અનંત પ્રકારનાં દુ:ખમાંથી કેવી રીતે છૂટાય, છૂટવા માટે ક્યો માર્ગ સહાયકારી થાય, એ પ્રકારની ભાવના મનુષ્યના હૃદયમાં મંથન કરતી જાય છે. પારમાર્થિક પ્રગતિ માટે આ આરંભની અવસ્થા છે. કેટલીક વખત, કોઈ પુરુષના અનુભવવચનો જીવને સપ્રમાણ જણાતાં દુ:ખાર્ત અને શોકાર્ત સંસારથી છૂટવાના ભાવો માનવ મનમાં સ્પષ્ટ થાય છે. આમ દુઃખરંગ અથવા સત્સંગને કારણે જીવને વૈરાગ્ય અથવા સંસારથી છૂટવાના ભાવો જાગૃત થાય છે. વૈરાગ્યની ઉત્પત્તિનાં કારણો જણાવતાં શ્રીમદ્ રાજચંદ્ર “લોકપુરુષ” કાવ્યમાં લખ્યું છે કે –
ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, તેમ નહિ તો કંઈ સત્સંગ, તેમ નહિ તો કંઈ દુ:ખરંગ.