________________
કેવળી પ્રભુનો સાથ
દુર્લભતાએ મળેલાં મનુષ્ય જીવનમાં આત્મકલ્યાણ કરવા માટે અનેક અંતરાયો વર્તે છે. જીવ ગર્ભમાંથી જ હણાયો હોય, જન્મતાં કે બાળવયમાં જ આયુષ્ય પૂરું થયું હોય, પાંચ ઇન્દ્રિયમાંથી એકાદ ઇન્દ્રિયની પૂરી ખોટ હોય, સંજ્ઞા પૂરી ખીલેલી ન હોય, વગેરે આત્મકલ્યાણ કરવામાં નડતરરૂપ થતાં બાહ્ય વિપ્નો છે. સાથે સાથે જીવન જીવવાની સુવિધા ન હોય, પ્રતિકૂળ ક્ષેત્ર હોય વગેરે પણ ઉપર જણાવ્યાં તે વિનોને સહકાર આપે છે. ત્યારે કલ્યાણ કરવાની રુચિ જ ન હોય, સવિવેક આત્મકલ્યાણનો માર્ગ નક્કી ન કરી શકે, સમજણ ઘટતા પ્રમાણમાં વધારી ન શકે વગેરે આત્મકલ્યાણ કરવામાં વિઘ્નરૂપ થતાં આંતર તત્ત્વો ગણી શકાય. આવી આવી અસુવિધાઓ સાથેના મનુષ્ય જન્મ કલ્યાણ કરવા માટે બળવાન સાથરૂપ થઈ શકતા નથી. તેમ છતાં મનુષ્ય જન્મ જ કલ્યાણ કરવા માટે ખૂબ ઉપકારી છે. ચારે ગતિઓમાં મનુષ્ય ગતિ એ જ ગતિ એવી છે કે જેમાં સૌથી વિશેષ વીર્ય ખીલી શકે છે. અને ખીલેલી શક્તિનો ઉપયોગ કરી તે જીવ કર્મના ઉદયની સામે પડીને કર્મોનો ક્ષય પોતાની ઇચ્છા અનુસાર કરી શકે છે. સર્વ પ્રકારનાં સર્વ કર્મોનો સંપૂર્ણ ક્ષય કરવો હોય તો તે સુભાગ્ય માત્ર એક મનુષ્ય ગતિમાં જ મેળવી શકે છે. અન્ય ત્રણ ગતિઓમાં આ શ્રેષ્ઠ ફળ મેળવવું જીવન માટે શક્ય નથી. તે અવસ્થામાં – તે ગતિઓમાં જીવ કર્મને વશ વર્તી કર્મથી અમુક જ પ્રમાણમાં નિવૃત્ત થઈ શકે છે, સંપૂર્ણતયા કર્મક્ષય એક માત્ર મનુષ્ય ગતિમાં જ સંભવિત છે, એ હકીકત મનુષ્ય જન્મની અનિવાર્યતા સાબિત કરવા પૂરતી ગણી શકાય.
મનુષ્ય પોતે પોતાને કલ્યાણરૂપ તથા અકલ્યાણરૂપ તત્ત્વની સમજ લઈ, પોતાને મળેલી શક્તિને ખીલવી કલ્યાણરૂપ તત્ત્વને સ્વેચ્છાએ સ્વીકારી શકે છે, અકલ્યાણરૂપ તત્ત્વને સ્વ ઇચ્છાથી ત્યાગી શકે છે અને એ દ્વારા પોતાની પવિત્રતાને પામી શકે છે. જે મનુષ્ય હેય, ઉપાદેયના આ વિવેકને વેગળો કરી જીવન વીતાવે છે તેનો મનુષ્ય જન્મ નિષ્ફળ ગણાય છે. અને કલ્યાણ કરવા માટે ફરીથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય ત્યાં સુધી તેને થોભવું પડે છે. આ પરથી સમજી શકાય છે કે પાંચ ઇન્દ્રિયની પૂરી ખીલવણી તથા અન્ય સુવિધાઓ સાથે મળેલા મનુષ્ય જન્મનો સદુપયોગ કરવો કેટલો આવશ્યક છે. પરંતુ દુર્ભાગ્યની વાત તો એ છે કે મોટા ભાગના મનુષ્યોને, મળેલી શક્તિનો,