________________
પ્રકરણ ૫ પ્રાર્થના
નાનામાં નાનાં જંતુથી માંડીને મદોન્મત્ત હાથી સુધીનાં સર્વ તિર્યંચો, માનવીઓ, દેવદાનવો, એ બધાંની સ્વાભાવિક ઇચ્છા સુખ અને આનંદ મેળવવાની જોવામાં આવે છે. એથી તેઓ બધાં સુખ મેળવવા માટે સતત પ્રયત્નશીલ દેખાય છે. પરંતુ વિવેકબુદ્ધિના ઉદય વિના, તથા યથાર્થ માર્ગદર્શન વિના તેમની બુદ્ધિ ભ્રમિત થઈ ક્ષણિક સુખની માયાજાળમાં ફસાયેલી રહે છે. પરિણામે ચતુર્ગતિના પરિભ્રમણનું ચક્ર સતત ચાલ્યા કરે છે.
તિર્યંચ, મનુષ્ય, દેવ અને નરક એ ચાર ગતિઓમાં પરિભ્રમણ કરતાં કરતાં અમુક વિશિષ્ટ પ્રકારની કર્મસ્થિતિ સર્જાય છે ત્યારે જ જીવને મનુષ્ય ગતિ મળી શકે છે. આયુષ્ય કાળમાં જે વખતે બીજા ભવના આયુષ્યનો બંધ જીવને પડે છે તે સમયે જીવનાં સત્તામાં રહેલાં પાપકર્મ અને પુણ્યકર્મનાં પલ્લાં લગભગ સમાન હોય તો જ તે જીવને મનુષ્ય ગતિનો ઉદય તે પછીનાં જીવનમાં પ્રાપ્ત થાય છે. નવા આયુષ્યનો બંધ પડે તે વખતે જો પાપકર્મનું પલ્લું નમતું રહે તો જીવને તિર્યંચ કે નરક ગતિનો ઉદય આવે છે; અને જો પુણ્યકર્મનું પલ્લું નમતું રહે તો તેને દેવગતિનો ઉદય મળે છે. વળી, આયુષ્યના બંધ સમયનું જ્ઞાન જીવને રહેતું ન હોવાને લીધે પાપપુણ્યનાં પલ્લાંને સમાન કરવાં અત્યંત કઠણ થઈ જાય છે. જો જીવની શુભ પરિણતિ વિશેષતાએ ચાલે તો પુણ્યનું પલ્લું નમી જાય, અને જો અશુભ પરિણતિ વિશેષતાએ ચાલે તો પાપનું પલ્લું નમી જાય. પરિણામે મનુષ્ય ગતિ આવે નહિ. આ તત્ત્વનો વિચાર કરતાં સમજી શકાય છે કે જીવને મનુષ્ય ગતિ મળવી ઘણી દુર્લભ છે.