________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
આમ તે જીવ અત્યંત સ્વચ્છંદે વર્તી માત્ર ભૌતિક સુખોની પ્રાપ્તિ મેળવવા પોતાની પાંચે ઇન્દ્રિયો તથા મનને કામે લગાડી, એ સુખ માટે ઝાંવાં નાખતાં નાખતાં સંજ્ઞા અને ઇન્દ્રિયો ગુમાવવી પડે તેવી કક્ષામાં આવી જાય છે. આવા કટોકટીના સમયે જો તે જીવને ભાગ્યયોગે સત્પુરુષ સદ્ગુરુનો મેળાપ થાય છે અને તે પવિત્ર આત્મા માટે તેને પ્રેમભાવ તથા પૂજ્યભાવ જાગે છે, તો તેને અપૂર્વ લાભ થાય છે. અત્યાર સુધી પરમાર્થે સુષુપ્ત રહેલાં ચેતનને જાગૃત કરવાનું કાર્ય સત્પુરુષ કરે છે. સત્પુરુષ તેને પોતાના કલ્યાણ તથા અકલ્યાણ બાબતનો યોગ્ય નિર્ણય કરવા પ્રતિ દોરી જાય છે. સત્પુરુષનાં સાનિધ્યમાં આવતાં તેને કોઈ વિશેષ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. જે સુખની કલ્પનાથી તે જીવ અત્યાર સુધી જગતમાં દોડધામ કરતો હતો, તે સુખ કરતાં કોઈ જુદા જ પ્રકારના સુખની અનુભૂતિ થવાની શક્યતાનો વિચાર, આ સત્પુરુષનાં વચનો સાંભળતાં તેમની મુદ્રાનાં દર્શન કરતાં અને તેમના સંપર્કમાં રહેતી વખતે તેનામાં ઉદિત થાય છે. તેને સત્પુરુષની મુખાકૃતિમાં જે શાંતિ દેખાય છે, તેમના સાનિધ્યમાં શાંતિની જે લહેરનો અનુભવ થાય છે, તે શાંતિ તેને વિચાર કરતો કરી મૂકે છે કે, જગતના પદાર્થોથી મળતી શાતા અને સત્પુરુષથી મળતી શાતામાં આટલો ફરક કેમ છે? બંનેમાંથી નીપજતી શાતાથી જુદી જુદી લાગણી વેદાય છે, આમ કેમ થાય છે! આ બે પ્રકારમાં સાચું સુખ ક્યું? કઈ શાતા વધારે ઉપકારી છે? આવી અંતરમાં વેદાતી દ્વિધા માટે કંઈક નિર્ણય પર આવવા માટે તે સત્પુરુષોનાં અમૃત વચનોનું પાન કરવા વિશેષ ખેંચાય છે. અને તે વખતે તેને સત્પુરુષ તરફથી સંસારની અનિત્યતા જણાવતાં વચનો, સંસારમાં રહેલી અશરણતાને તાદશ કરતાં વચનો તથા દેહમાં અને તેના ઉપયોગ વખતે અનુભવાતી અશુચિ બતાવતા વચનો સંસારની અસારતા જાણવા માટે અને સાચું સુખ ક્યાં છે અને કેટલું છે તેનો નિર્ણય ક૨વા માટે ખૂબ ઉપકારી થાય છે. અનિત્ય ભાવના, અશરણ ભાવના તથા અશુચિ ભાવનાને ભરપૂર કલ્યાણભાવથી જ્યારે તેના નિકટવર્તી સત્પુરુષ વ્યક્ત કરે છે ત્યારે તે જીવના સંસારથી છૂટવાના અને શાશ્વત સુખ મેળવવાના ભાવ દેઢ થાય છે.
૨૧૧