________________
કેવળી પ્રભુનો સાથ
જીવ જ્યારે સંજ્ઞીપંચેન્દ્રિયપણું મેળવે છે ત્યારે તેનું સૂતેલું ચેતન વ્યવહાર દૃષ્ટિથી બરાબર જાગૃત થયું ગણાય છે કારણ કે તે પોતે સ્વતંત્ર રીતે ભાવ કરી શકે છે, ભાવ વ્યક્ત પણ કરી શકે છે અને પોતે પોતાની લાગણીઓનો માલિક બનીને જીવે છે. પરંતુ આ અવસ્થામાં પણ પરમાર્થિક દૃષ્ટિએ તેનું ચેતન સુષુપ્ત – સૂતેલું જ હોય છે. તે જીવ ચારે ગતિમાં મોહને આધીન થઈને જ વર્તતો હોય છે, તેને પોતાના દેહમાં અત્યંત મારાપણું વેદાતું હોય છે, સાથે સાથે તે દેહાશ્રિત જે કોઈ ચેતન કે જડ સાથેના સંબંધ હોય તેમાં પણ તેની મોહબુદ્ધિ અગ્રસ્થાને રહી તેને કર્મના પાશમાં બાંધતી જ રહે છે. આ દશામાં તે જીવને શું પોતાનું છે, શું પોતાનું નથી, શું પોતે ઇચ્છવા યોગ્ય છે, શું પોતે ઇચ્છવા યોગ્ય નથી, વગેરે બાબતનાં સત્યસ્વરૂપનું ભાન તેને હોતું નથી, એટલે કે પોતાને કલ્યાણરૂપ શું છે અને અકલ્યાણરૂપ શું છે તે બાબતનો સારાસાર વિવેક પ્રવૃત્તિ કરતાં હોતો નથી. તે જીવ સુખની શોધમાં ઝાંવાં નાખ્યા જ કરે છે, પણ સાચું સુખ શું છે અને તે ક્યાં છે તથા તે કેવી રીતે મળે તેની કોઈ ગતાગમ તેને હોતી નથી. તે તો ક્ષણિક એવા શારીરિક અને ભૌતિક સુખો મેળવવાની દોડધામમાં સતત લાગ્યો રહે છે. તેથી તે જીવ પરવશપણે કર્મના ઉદયને વશ થઈ અનેકવિધ કષાયોની જાળમાં ફસાઈ એવાં નિબિડ કર્મો બાંધે છે કે અમુક કાળ પછી તે જીવને પાછા નીચે ઉતરવાનો, અસંશી થવાનો પ્રસંગ આવે છે. આ રીતે દેહ તથા દેહાશ્રિત પદાર્થોના મોહપાશમાં રહી, જીવ ચડ ઊતર કરતાં કરતાં સંસારમાં ભ્રમણ કરતો જ રહે છે. ભૌતિક પદાર્થોની પાછળ ખુવાર થતી વખતે તે જીવને લક્ષ રહેતો નથી કે પોતે કોની અસર સ્વીકારવી, અને કોની અસર ન સ્વીકારવી તે બાબતમાં સ્વતંત્ર છે, પોતાને શું કલ્યાણરૂપ છે અને શું કલ્યાણરૂપ નથી તેની જાણકારી લઈ મળેલી સ્વતંત્રતાનો ઉપયોગ તેણે કરવો જોઇએ. તેને બદલે તે તો જેવા જેવા નિમિત્ત પામે, તેને આધીન થઈ આકરા કષાયાદિ કરી કર્મબંધ કરે છે, અને પોતાને મળેલી સ્વતંત્રતાને તે સ્વચ્છંદમાં ફેરવી નાખે છે. પોતાને વળગેલી અહમ્ તથા મમ્ની જાળમાં ગૂંચવાઈ, તે જે કંઈ નિમિત્તાધીન કષાય અનુભવે છે, તેની યોગ્યતા કે અયોગ્યતા વિચાર્યા વિના જ પોતાના દુરાગ્રહ તથા મતાગ્રહમાં પ્રવર્તી સ્વચ્છંદને જ પોષણ આપતો રહે છે. આ રીતે નવાં કર્મના ખડકલાને પોતા ૫૨ જમા થવા આમંત્રણ આપ્યા કરતો હોય છે.
૨૧૦