________________
કેવળી પ્રભુનો સાથ
જગતમાં આપણે અનેક જીવોના સંપર્કમાં આવીએ છીએ, તેમાંથી ભાગ્યેજ આવી અદ્ભુત અસર થતી જોવામાં આવે છે; મોટે ભાગે તો પૂર્વના ઋણને સંસારાર્થે ભોગવી, નવાં ઋણાનુબંધન બાંધી તેના પરાવર્તનના ચક્રમાં જ જીવ ફરતો રહે છે. તે બધામાં વિશેષ અસર કરનાર કોણ છે કે જેના પ્રતિ આવો ઉત્તમ અહોભાવ જીવ વેદી શકે છે! તે છે સત્પુરુષ. સત્પુરુષ એટલે કોણ ?
વ્યવહારની પરિભાષામાં સત્પુરુષ એટલે જે સદાચારી છે, જે બીજાનું ભલું કરવા માટે તત્પર છે, અને જેના ગુણોની સુવાસ અન્ય જીવોને સ્વાભાવિકપણે પહોંચ્યા કરે છે તેવો પવિત્ર આત્મા. પરંતુ પરમાર્થે સત્પુરુષની વ્યાખ્યા વિશેષપણે ક૨વામાં આવે છે. જે જીવે સમ્યક્દર્શન મેળવ્યું છે, તે સમ્યક્ત્વની શુદ્ધિ કરતાં કરતાં સાતમા ગુણસ્થાનમાં આગળ વધ્યા છે, પોતે આત્માની જેવી શુદ્ધિ અને શાંતિનું વેદન કરે છે તેવી શુદ્ધિ અને શાંતિ સહુને પ્રાપ્ત થાય એવી ભાવના તેમના હ્રદયમાં રમ્યા કરે છે, આવી શુદ્ધિ તથા શાંતિ કેવી રીતે મેળવાય તે માર્ગની જાણકારી હ્રદયમાં સ્પષ્ટ થઈ હોય છે, અને સામા જીવને પ્રેમપૂર્વક આ માર્ગની સમજણ આપી એ માર્ગમાં ચાલવા ઉત્સાહીત કરે એવો અપૂર્વ વાણીવૈભવ પ્રગટયો હોય છે, વગેરે વગેરે ગુણોના ધારક એ સત્પુરુષ હોય છે. આવા સત્પુરુષ એ ઉત્તમ પ્રકારના સદ્ગુરુ થઈ શકે છે.
આ સત્પુરુષના ગુણોનો અભ્યાસ કરીએ ત્યારે આપણને સમજાય છે કે તેમનાં બધાં લક્ષણો ઓછી વધતી માત્રામાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતમાં આપણને જોવા મળે છે. જે જીવ દ્રવ્ય તથા ભાવથી છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાને વર્તતાં હોય છે, અને જીવ સમસ્ત માટેના કલ્યાણભાવ વેદતાં હોય છે તે જીવો જ પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામે છે. અને જે પ્રકાર તથા જે માત્રામાં આ કલ્યાણભાવ વેદાય છે તેને આધારે તેમનું પદ કયું છે તે નક્કી થાય છે. સિદ્ધાત્મા પૂર્ણ શુધ્ધ થઈ સિદ્ધભૂમિમાં બિરાજે છે, અને તેઓ બાકીના ચાર પરમેષ્ટિમાંથી એક કે વધારે પદમાંથી પસાર થયા હોય છે, અથવા તો ક્ષપકશ્રેણિમાં આ ભાવ વેદી સિદ્ધપદ પામતી વખતે પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામ્યા હોય છે. તે સિવાયનાં પરમેષ્ટિ પદ છે – અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વીજી. સામાન્યપણે આ ચારે પદવીધારીઓ ઉપર જોયાં તે સર્વ લક્ષણો
૨૦૨