________________
કેવળી પ્રભુનો સાથ
દેહમાં રહેનાર, દેહનું સંચાલન કરનાર કોઈક તત્ત્વ છે, અને આ તત્ત્વને નિયમનમાં રાખનાર, શાતા અશાતાનો અનુભવ કરાવનાર કોઈ અન્ય તત્ત્વ પણ છે. આ તત્ત્વ શું છે? તે ક્યાંથી આવ્યું, ક્યાં જવાનું, તેનાં લક્ષણો શું એ પ્રશ્નોના સમાધાન મેળવવા તેની જિજ્ઞાસા જોર કરે છે. સાથે સાથે આ મૂળ તત્ત્વને સુખદુઃખની ખીણમાં રાખી ભમાવનાર કોણ છે? આ બધા પ્રશ્નોનું નિરાકરણ પામવા તે ઊંડી વિચારણા કરવા પ્રેરાય છે. તે વિચારણાનો સાચો તાગ મેળવવા માટે તેને કોઈ સહાયક આત્માની જરૂરિયાત અગ્રસ્થાને અનુભવાય છે ત્યારે તેનાથી આવા સત્પાત્રની ખોજ કરવા માટેનો અવિરત પુરુષાર્થ શરૂ થાય છે. વર્તતી ઝંખનાનાં પરિણામે અંતરાય કર્મ તૂટતાં તેને સફળતા પણ મળે છે.
છેલ્લા આવર્તનમાં જીવ નિકટભવી બને ત્યારે આ સંસારના વિવિધ વિવિધ પ્રકારના અનુભવોના ચકરાવામાં તેને મહત્ મહત્ પુણ્યના યોગથી, પ્રેમાળ સહાયક અને મદદકર્તા એવા પુણ્યશ્લોકી શ્રી સદ્ગુરુની પ્રાપ્તિ થાય છે. એ સદ્ગુરુ માટે તેને જેમ જેમ પ્રેમ વધતો જાય છે તેમ તેમ તેના માર્ગદર્શનની સચ્ચાઈ માટે તેની શ્રદ્ધા પણ વધતી જ જાય છે, અને શ્રદ્ધા વધતાં શ્રી ગુરુ પ્રતિનો તેનો અર્પણભાવ અર્થાત્ તેમની આજ્ઞા અનુસાર કે ઇચ્છા અનુસાર વર્તન કરવાની ભાવના પણ દેઢ થતી જાય છે. જેમ જેમ આવા પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણભાવનો સુમેળ જામતો જાય છે તેમ તેમ તેને મુંઝવતા અનેક પ્રશ્નોનું સમાધાન મળતું જાય છે, તે જીવ દેહલક્ષીને બદલે આત્મલક્ષી થતો જાય છે, એટલે કે તેના જીવનનું ધ્યેય સંસારની સંપત્તિ તથા સત્તા પરથી ખસી, આત્માની શુદ્ધિ તથા સંપત્તિ મેળવવા પ્રતિ કેંદ્રિત થતું જાય છે, પરિણામે તે જીવ પોતાપ્રતિ લક્ષવાન બની, સત્ની પ્રાપ્તિ જલદીથી કરવા તત્પર થાય છે. આમ પુણ્યયોગે સદ્ગુરુનો સંપર્ક થતાં જીવનાં જીવનનો આખો વળાંક જ બદલાઈ જાય છે.
ઉત્તમ સદ્ગુરુની પ્રાપ્તિ થતાં જીવનું જીવનધ્યેય જ બદલાઈ જાય છે. અને તે જીવને સદ્ગુરુમાં અનેક અદ્ભુત ગુણો દૃષ્ટિગોચર થાય છે. સાથે સાથે તેને એવું સભાનપણું આવે છે કે સદ્ગુરુમાં અનુભવાતા અપૂર્વ ગુણો શ્રી તીર્થંકર પ્રભુના આપેલા છે. તેમની કૃપા અને કરુણા વિના કોઈ પણ જીવ આવા ગુણોનું સ્વામીત્વ
૧૯૮