________________
પ્રકરણ ૮ આત્માનો અપૂર્વ સ્વભાવ
ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં જીવ પુણ્યયોગે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યપણું પ્રાપ્ત કરે છે, ત્યારે તેનાં વિચારશક્તિ તથા સારાસાર વિવેક ખીલે છે. તેથી મનુષ્યને સંસારમાં અનુભવવાં પડતાં અનેક દુઃખો, કષ્ટો, અશાતા આદિનો સ્પષ્ટ પરિચય થાય છે, સાથે સાથે અન્ય મનુષ્યો પણ જે અશાંતિ વેદે છે તેનો પણ અછડતો લક્ષ તેને આવતો જાય છે. આમ મનુષ્યજીવનમાં અનુભવવી પડતી અનેક પ્રકારની લીલીસૂકી વેદતાં વેદતાં તેનો જીવ મુંઝાય છે. તેને જે દેહ અત્યંત પ્રિય છે, તેમાં થતી રોગોત્પત્તિ તેને અસહ્ય પીડા આપે છે, વળી એવા દેહને પરવશપણે છોડતાં સ્વજનોની હાલત જોઈ ખૂબ મુંઝાય છે, અને પોતાને પણ એક કાળે આવી જ રીતે અવર્ણનીય વેદના વેદતાં વેદતાં આ દેહ ત્યાગવાનો છે તેનું સભાનપણું અને ભય તેને ખૂબ જ લાચાર સ્થિતિમાં ખેંચી જાય છે. આવો વિવશ બનેલો જીવ, આવા પોતાની ઇચ્છા વિરુધ્ધના બનાવો પોતાનાં જીવનમાં શા માટે સતત બન્યા કરે છે, એ પ્રશ્નનું સમાધાન મેળવવા માટે તે જ્યારે ચરમાવર્તમાં આવે છે ત્યારે ગૂંથાઈ જાય છે, અથવા તો તેમાં ગરક થઈ જાય છે. તે વિચારે છે કે જે દેહ તેને અત્યંત પ્રિય છે, જે દેહનાં દુઃખે દુઃખી અને સુખે સુખી થયા કરે છે, તે દેહમાં રોગ, પીડા આદિ કષ્ટ પોતાની ઇચ્છા વિરુધ્ધ ઉત્પન્ન થયા કરે છે, અશાતા વેદવી પડે છે અને અકાળે કે કાળે અત્યંત કષ્ટ સાથે તે દેહનો ત્યાગ પણ સ્વીકારવો પડે છે; ઉપરાંત આ જ પ્રકારની સ્થિતિનો અનુભવ તે પોતાના સ્વજનો, કુટુંબીઓ અને મિત્રને કરતાં જુએ છે, કેટલાય આસપાસના તિર્યંચોને પણ આવા અનુભવમાંથી પસાર થતાં જુએ છે ત્યારે તેની વિવેકશક્તિ તેને એ જાતના અનુમાન કરવા પ્રતિ દોરી જાય છે કે,
૧૯૭