________________
મંત્રસ્મરણ
શ્રી તીર્થકર પ્રભુને વચનાતિશય પ્રગટયો હોય છે. તેમણે સર્વ જીવના કલ્યાણના ભાવ અતિ બળવાનપણે ભાવ્યા હોય છે, તેના ફળરૂપે તેમને એવી વિશિષ્ટ વાણી પ્રાપ્ત થાય છે કે પ્રભુના આખા દેહમાંથી ‘ૐ’ ધ્વનિ પ્રગટ થતો હોવા છતાં સહુ જીવો – દેવો, દાનવો, માનવો, તિર્યંચો સહુ પોતપોતાની ભાષામાં અને પોતાની આત્મદશા અનુસાર બોધ તેમાંથી ગ્રહણ કરે છે. આ વાણી ૩૫ પ્રકારનાં સત્યવચન ગુણે કરી સહિત હોય છે, તે બધાને સમજાય તેવી, યોજન પ્રમાણ સંભળાય, મેઘ જેવી ગંભીર, સ્પષ્ટ સંતોષકારક, સહુને થાય કે મને ઉદ્દેશીને છે, પૂર્વાપર અવિરોધ, મહાપુરુષને યોગ્ય, દૂષણરહિત અર્થવાળી, કઠણ વિષયને સહેલો કરે તેવી, મધુર, ધર્મઅર્થ પ્રતિબદ્ધ, પરનિંદા સ્વવખાણ વગરની, વ્યાકરણની શુદ્ધિવાળી, આશ્ચર્યકારી, વકતાનું સંપૂર્ણપણે જણાય તેવી, ભ્રાંતિરહિત, વિલંબરહિત, ધર્યવાળી, શિષ્ટ બુદ્ધિ ઉપજાવે તેવી, સ્યાદવાદ શૈલીવાળી, પુનરુક્તિ દોષ વગરની, વગેરે ગુણોની ભરેલી હોય છે. (૧)
આવી પૂર્ણવાણી પ્રકાશિત થવાનું કારણ શ્રી પ્રભુનો જ્ઞાનાતિશય છે. પ્રભુનું સર્વશપણું એ એમનો અતિશય છે. પ્રભુને એક પ્રદેશ, એક પરમાણુ અને એક સમયનું સૂક્ષ્મ જ્ઞાન હોવાને લીધે તેમને પ્રત્યેક પદાર્થનું અને આત્માનું સમય સમયનું ત્રિકાલિક જ્ઞાન સંભવે છે. આ અતિશયના ફળરૂપે સર્વ જીવ પોતાના પ્રશ્નોનું, જિજ્ઞાસાઓનું સમાધાન મેળવી શકે છે. (૨)
તેમની આ સમર્થતાના કારણે સહુ જીવો તેમને પૂજે છે. પ્રભુને પૂજ્યસ્થાને રાખી તેમની સ્તુતિ કરે છે. અને આ સ્તુતિ તથા ભક્તિ જીવો પ્રેમથી કરે છે, ભયના કારણે કરતા નથી. આ તેમનો પૂજાતિશય છે. આ અતિશયના ફળરૂપે તેમની સ્તુતિ તથા ભક્તિ કરનાર જીવ શાતા તથા શાંતિ વિના વિવાદે મેળવી શકે છે. આ લોકોપકારક ગુણ હોવાથી મુખ્ય ગુણ તરીકે સમાવેશ પામ્યો છે. (૩)
આ બધા ગુણોમાં ભાત પાડે તેવો તથા બાહ્યથી તેમની આંતરિક સમર્થતાનો ખ્યાલ આપે તેવો, તેમણે સેવેલા કલ્યાણભાવની સાખ પૂરે તેવો જે ગુણ છે તે અપાયાપગમાતિશય. આ અતિશયને લીધે, શ્રી પ્રભુ જ્યાં બિરાજમાન હોય છે તેની આસપાસના એક જોજન વિસ્તારમાં સર્વ પ્રકારના ઉપદ્રવનો નાશ થાય છે.
૧૭૫