________________
કેવળી પ્રભુનો સાથ
આ બધામાં શ્રી તીર્થંકર પ્રભુના મહિમાને વિશેષતાએ પ્રગટાવતું તત્ત્વ છે “ચામર'. દેવલોકના ઉત્તમ તાંતણાથી ચામરની ગૂંથણી દેવો કરે છે. અને જ્યારે પ્રભુની દેશના ચાલતી હોય ત્યારે ખાસ કરીને દેવો પ્રભુની સેવામાં રહી તેમને ચામર ઢોળે છે. તેનો અર્થ એ કરી શકાય કે સર્વ પ્રકારનું શુભ તથા કલ્યાણ પ્રભુનાં ચરણમાં વસે છે. તેથી પ્રભુનાં ચરણમાં જે જીવ પ્રેમથી નમે છે તે નિયમપૂર્વક ઉત્તમ સ્થિતિને પ્રાપ્ત થાય છે. સાથે સાથે પ્રભુનાં ચરણમાં રહેનારને કોઈ પણ અશુભ તત્ત્વ પીડા આપી શકતું નથી. પ્રભુનાં શરણે રહેવાથી જે લાભ થાય છે તે તેમનો ઉત્તમ ગુણ કહી શકાય. આ રીતે ચામર પ્રભુનાં રક્ષણના ગુણને પ્રકાશિત કરે છે (૭). આ સાતે પ્રતિહાર્યનો આપણે સમગ્રપણે વિચાર કરીએ છીએ ત્યારે શ્રી પ્રભુનું એક અતિ આકર્ષક ચિત્ર આપણી સમક્ષ ખડું થાય છે. રંગબેરંગી પુષ્પોથી સુશોભિત કરાયેલી પવિત્ર ધરતી પર, સમગ્ર શોકને હરનાર અશોકવૃક્ષ નીચે ભવ્ય સિંહાસન પર શ્રી પ્રભુ ધ્યાનસ્થ છે. તેમના માથે મોતીથી સુશોભિત કરાયેલાં ત્રણ છત્રો શોભે છે, તેમનાં મસ્તક પાછળ ઝળહળતું છતાં શાંતિદાયક ભવ્ય ભામંડળ છે. તે સમયે દેવો લોકોને દેશનાકાળની જાણ દેવદુંદુભિ વગાડતાં કરે છે અને પ્રભુને ચામર ઢોળી તેમનો મહિમા લોકોને પ્રત્યક્ષ કરાવે છે. આવા પવિત્ર વાતાવરણમાં શ્રી પ્રભુ આત્માને વિશુદ્ધ કરવાનો મહામાર્ગ દિવ્ય ધ્વનિથી ઘોષિત કરે છે. આ ધ્વનિનો પ્રભાવ એવો છે કે આખા સમવસરણમાં એક સરખા લય અને નાદથી પ્રભુની દેશના જીવ સાંભળી શકે છે. તેમ થવામાં દેવોની ધ્વનિગૂંથણી ખૂબ મદદરૂપ થાય છે. દેવો એવા પ્રકારની રચના કરે છે કે એ ધ્વનિ પરમાણુઓ એક સરખી ગતિથી અને વિના વિને, મધુર લય સાથે આખા સમવસરણમાં બેઠેલા શ્રોતાગણને તેમના અંતરંગમાં પ્રવેશી ઉત્તમ લાભ આપે છે. આ પણ દેવોની લીલાથી અનુભવાતું શ્રી પ્રભુનું અદ્ભુત મહાસ્ય છે. (૮)
આ ધ્વનિને આખા સમવસરણમાં ફેલાવવાની ગૂંથણી દેવો કરે છે, પરંતુ તેનો જે પ્રભાવ છે તે શ્રી પ્રભુનો આગવો છે. એવું અનન્યપણું સૂચવતા ચાર અતિશયો પ્રભુના ગુણરૂપે અહીં સમાવાયા છે. એમાંના કેટલાંક અપેક્ષાએ દિવ્યધ્વનિના ભાગરૂપ છે.
૧૭૪