________________
મંત્રસ્મરણ
શ્રી તીર્થંકર પ્રભુ આ સિંહાસન પર બિરાજે છે. તે સિંહાસનની ભવ્યતા અબુધ જીવોને પ્રભુનાં ઐશ્વર્યનો બાહ્યથી આછો ખ્યાલ આપે છે જે ભાવિમાં તેમને પ્રભુની આંતરિક પ્રતિભા પ્રતિ ખેંચી જાય છે. આ અતિભવ્ય સિંહાસનની રચના એવી હોય છે કે વર્તુળાકારમાં બિરાજેલા સહુ જીવને શ્રી પ્રભુ પોતાની સન્મુખ જ જણાય છે. કોઈને પણ પ્રભુની પીઠ જોવાનો સમય આવતો નથી. આ મહત્તા જીવને કલ્યાણ કાર્યમાં ખૂબ સાથ આપે છે (૪).
અશોકવૃક્ષની નીચે, ઉત્તમ સિંહાસન પર બિરાજિત શ્રી તીર્થંકર પ્રભુની આત્માની પવિત્રતા સૂચક એક ઉત્તમ ભામંડળ તેમના મસ્તક પાછળ રહેલું હોય છે. તે ભામંડળની આભા સહુ જીવોનાં લક્ષમાં આવતી નથી, પાત્રતાવાળા ઉત્તમ જીવો જ ભામંડળનું દર્શન પામી શકે છે. જે જીવો આ લાભથી વંચિત રહે, તેમના લાભાર્થે વૈમાનિક દેવો તે ભામંડળને દેવલોકના ઉત્તમ રત્નોથી શણગારે છે. અને એ રત્નોના પ્રભાવથી પ્રભુનાં ભામંડળના તેજનો સમવસરણ સ્થિત સહુ જીવોને લક્ષ થાય છે. એટલું જ નહિ, એ દર્શનથી સહુને પોતાના કોઈ ને કોઈ પૂર્વજન્મનું ભાન થાય છે; જે ભાન તે જીવને આત્મકલ્યાણ પ્રતિ દોરી જાય છે. પ્રભુનો આવો ઉત્તમ પ્રભાવ પ્રગટ કરનાર ‘ભામંડળ’ નામનું પ્રતિહાર્ય છે (૫). પ્રભુ સિંહાસન પર બિરાજમાન હોય કે અન્ય સ્થિતિમાં હોય, પ્રત્યેક અવસ્થામાં દેવલોકના ઉત્તમ તારથી ગૂંથાયેલાં અને ઉત્તમ મોતીઓથી સુશોભિત કરાયેલાં ત્રણ છત્રો તેમના મસ્તક પર, થોડા ઊંચે રહ્યા કરે છે. જેમ જેમ પ્રભુ વિહાર કરે તેમ તેમ તે છત્રો તેમની સાથે જ ચાલ્યા કરે. આ છત્રો જગતના જીવોને એવું સૂચવન કરે છે કે પ્રભુ સર્વ પ્રકારની અશાંતિથી પર છે તે દર્શાવવા માટે, તેમના ગુણોને વશ થઈને અમે, તેમની સાથમાં રહેવા, તેમનાં મસ્તકે શોભીએ છીએ. તમે જો પ્રભુનાં શરણે રહેશો તો તમોને પણ અદ્ભુત ઉજ્જવલતા મળવા સાથે શાંતિપ્રેરક છાયા મળશે. અમે પ્રભુને સતત છાયા આપીએ છીએ તે જ એમનું અમારા પરનું આધિપત્ય સૂચવે છે. જગતનાં કોઈ દૂષણો, દુ:ખ કે દુઃખની છાયા પણ તેમને સ્પર્શી શકે નહિ તેની તકેદારી રાખતાં અમે તેનાં પ્રતિહાર્ય છીએ (૬).
૧૭૩