________________
કેવળી પ્રભુનો સાથ
આત્મશુદ્ધિ મેળવવા માટેનો માર્ગ કેવી રીતે બતાવી શકે? મોક્ષમાર્ગમાં સમકિત એ મૂળ પાયો છે, તેના વિના વિશુદ્ધિનું ચણતર કેવી રીતે સંભવી શકે?
કદાચિત્ એ જીવે સમ્યક્દર્શન પ્રાપ્ત કર્યું હોય, આત્માનુભવ કર્યો હોય પરંતુ રાગદ્વેષનું મંદપણું આવ્યું ન હોય અર્થાત્ રાગદ્વેષની તરતમતાને કારણે સમદર્શીપણું ખીલ્યું ન હોય તો તે પોતાના શિષ્યને ઉત્તમ માર્ગદર્શન આપી શકતા નથી. સર્વ જીવો પ્રતિ એક સરખા કલ્યાણના ભાવ સેવવા એ સમદર્શીપણું છે. આવા ભાવ જીવ તો જ સેવી શકે જો જગતના પદાર્થો પ્રતિની મોહાસક્તિ તૂટી હોય, ગુણ અવગુણનું જાણપણું હોવા છતાં તેમાં રાગદ્વેષ થતાં ન હોય વગેરે. જ્યાં સુધી આ સમદર્શીપણું આવતું નથી ત્યાં સુધી ગુરુ પોતે જ રાગ તથા દ્વેષની પરિણતિમાં અટવાયેલા રહેતા હોવાથી શિષ્યને બરાબર નાણી શકે નહિ અને યોગ્ય દોરવણી આપી શકે નહિ. પરિણામે ગુરુશિષ્ય બંને કલ્યાણવિમુખ બની જાય.
કદાપિ ગુરુમાં સમદર્શીપણું અમુક અંશે ખીલ્યું હોય પરંતુ જે જે કર્મના ઉદયો આવે તેને નિસ્પૃહભાવે સ્વીકારવા જેટલી ક્ષમતા ગુરુમાં આવી ન હોય તો તે ગુરુ ઉદયકર્મના વમળમાં અટવાઈને એવી રાગદ્વેષની પરિણતિમાં ભ્રમિત થઈ જાય કે જેને લીધે ગુરુ શિષ્ય બંનેનું આત્મારાધન જોખમાઈ જાય. કોઈ કર્મનો ઉદય આવતાં તેની આળપંપાળમાં જો જીવ પડી જાય તો બધું આરાધન એકબાજુ પડી રહે, તેથી “વિચરે ઉદય પ્રયોગ” એટલે કે જે ઉદય આવે તે પ્રમાણે જ નિસ્પૃહતાથી ગુરુ વર્તે, તે ગુણ ગુરુ માટે અનિવાર્ય છે. આમ હોય તો જ ગુરુ ઉદયકર્મને ગૌણ કરી, યથાર્થ આત્મપ્રવૃત્તિમાં ગૂંથાઈ શકે અને શિષ્યને તે પ્રમાણે કરવા સાચી પ્રેરણા આપી શકે.
કોઈ પ્રસંગમાં આ ત્રણે ગુણો ગુરુમાં વિકસ્યા હોય, પરંતુ જે યથાર્થ વાણીયોગ તેમનામાં જોઇએ તેનો અભાવ હોય તો પણ ખરા કલ્યાણમાં ખામી આવે. ગુરુ શિષ્યને માર્ગદર્શન આપે છે તે મુખ્યતાએ વાણી દ્વારા હોય છે. ગુરુને થયેલાં કે થતાં અનુભવોનું વર્ણન, શિષ્યને જિજ્ઞાસાર્થે ઉપજતાં પ્રશ્નોનું સમાધાન, બોધ પ્રાપ્તિ વગેરે
૧૬૦