________________
મંત્રસ્મરણ
તેને અનુરૂપ કર્મબંધ સેવા કરે છે. આ પર પદાર્થોના વિચારોની વણઝાર જીવની શાંતિ ઝૂંટવી લે છે, એટલું જ નહિ પણ જીવને તે પદાર્થને લગતા ખેદ અને ગ્લાનિની ખાઈમાં ધકેલી દે છે. આ બધા ઉદયો વચ્ચે, જીવ સતત અશાંતિ વેદતો હોવા છતાં બીજી કોઈ રીતે ફેરફાર કરવા તે શક્તિમાન થતો નથી. આવા અશાતાના સમયે જીવ જો પ્રયત્નપૂર્વક મંત્રસ્મરણ તરફ વળે તો વર્તતાં ખેદ અને ગ્લાનિથી છૂટવાનું તેને નિમિત્ત મળે. સાથે સાથે ખીલતાં આત્મગુણોનો આનંદ પણ તે માણી શકે. હૃદયપૂર્વકનું અર્થાત્ અંતરંગ લીનતા સાથેનું મંત્રસ્મરણ ચાલતું હોય છે ત્યારે જે જે કર્મ ઉદયમાં આવે તે તે સર્વ પૂરા પ્રભાવથી ફળ આપી શકતાં નથી; કારણ કે જે સપુરુષના આશ્રયે મંત્રસ્મરણ થતું હોય છે તે સત્પરુષની કૃપા કર્મના અશુભ ફળના વેદનને નિવારતી રહે છે. એ વખતે જીવનું આપ્તપુરુષ સાથે અનુસંધાન થતું હોવાથી, જેના પર કર્મનો પ્રભાવ દેખાય છે તેવા દેહાદિ પદાર્થોથી તેને અલિપ્તપણું સંભવે છે તેથી તેનું કર્મફળ વેદન અતિમંદ થઈ જાય છે. (તે પદાર્થોમાં પોતાપણું રહ્યું ન હોવાથી વેદનાદિ જીવને સ્પર્શી શકતાં નથી.) બીજી રીતે કહીએ તો, મંત્રસ્મરણમાં જ્યારે જીવ લીન થાય છે ત્યારે ઉદયમાં આવતાં અશુભ કર્મો અધૂરાં ફળ આપી પૂરાં ખરી જાય છે, એવો શ્રી વીતરાગ ભગવંતના નામસ્મરણનો અદ્ભુત કહી શકાય તેવો મહિમા છે. એટલે કે જેટલી તીવ્રતાથી અને જેટલા કાળ માટે કર્મનું વેદવું સર્જાયું હોય તેના કરતાં ઘણી મંદતાથી અને ઘણા ટૂંકા ગાળા માટે વેદવું રહે તેવો મંત્રસ્મરણનો પ્રભાવ જીવ ધારે ત્યારે અનુભવી શકે છે.
મંત્રસ્મરણનો સૌથી વિશેષ પ્રભાવક ફાયદો એ છે કે તેના આરાધનથી જીવ સહેલાઇથી અને સહજતાથી આત્મવિકાસનાં સોપાન સર કરતો રહે છે. જેમ જેમ મંત્રારાધન વિશેષ વિશેષ સચ્ચાઈથી થતું જાય છે તેમ તેમ સમાધિ અથવા ધ્યાન વિશેષ ઊંડાણવાળાં થતાં જાય છે. અને જેમ જેમ સમાધિ કે ધ્યાનનું ઊંડાણ વિશેષ તેમ તેમ તેની સકામ નિર્જરા અસંખ્યાતગણી થતી જાય છે. એટલું જ નહિ પણ નવાં થતાં કર્મબંધનો અસંખ્યાતમાં ભાગનાં થતાં જાય છે. આમ આત્મપ્રદેશો પર નવીન કર્મો અત્યંત નાની સંખ્યામાં આવે, તથા જૂનાં કર્મો અસંખ્યની
૧૫૭