________________
કેવળી પ્રભુનો સાથ
નથી. આથી જે આત્માએ આ નિજ છંદને છોડી, પર્વત જેવડી ભૂલોને સ્વસુધારણાથી રાઈ જેવડી કરી છે, અને તે ભૂલોને નામશેષ કરવાના ઉપાયમાં લાગી પડ્યા છે તેવા સફળ આરાધકના માર્ગદર્શન નીચે સ્વચ્છંદને ત્યાગી, આજ્ઞાધીનપણું પ્રગટાવવું એ ઇચ્છા પરિપૂર્ણ કરવા માટે અવશ્યનું છે. આ પ્રક્રિયાને બીજી રીતે, “સગુરુના શરણે જઈ મોક્ષમાર્ગનું આરાધન કરવું એ પ્રમાણે ઓળખાવી શકાય. તેથી જ કહેવાયું છે કે –
સદ્ગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહિ રે.” ઉત્તમ સદ્ગરનાં શરણે જતાં અનેકવિધ લાભ થાય છે. તેમાં સૌથી મોટો અને વિશેષ લાભ એ થાય છે કે ભૂતકાળથી સતત ચાલી આવતી ભૂલોને અટકાવવાનો ઉપાય સહજતાએ મળે છે અને આત્મસાધક એ ઉપાય આત્મકલ્યાણાર્થે સારી રીતે અજમાવી શકે છે.
જ્યારે પુરુષરૂપ સદ્ગુરુનો પરિચય જીવને થાય છે ત્યારે તેનાથી તે અત્યંત પ્રભાવિત થાય છે; કારણ કે જે આત્મશાંતિ અને આત્મસુખ મેળવવાની ઝંખના જીવમાં પ્રગટી છે તેનો આવિષ્કાર તે સગુરુમાં અનુભવે છે. તેને અંતરંગમાં એવો હકાર આવે છે, એવું શ્રદ્ધાન પ્રગટે છે કે મારે જે જોઈએ છે તે અહીંથી મળશે. આમ થવાનું કારણ એ છે કે જીવની ઝંખનારૂપી સત્પાત્રતાને સગુરુના આત્મજ્ઞાન, કલ્યાણભાવ, સમદર્શીપણું, અપૂર્વવાણી, નિર્મોહપણું, નિસ્પૃહપણું, આત્મશાંતિ વગેરે ગુણોનો સ્પર્શ થતાં તેની પાત્રતા હવે શુદ્ધતા ધારણ કરે છે. પાત્રતાનું આ વિશુદ્ધિકરણ તેને અંતરંગ ખાતરી આપી, તેનાં સંગુરુ પ્રતિનાં પ્રેમ, શ્રદ્ધા અને અપર્ણતા ખીલવવામાં સહાયરૂપ થાય છે. તેથી તો શ્રી કૃપાળુદેવે લખ્યું છે કે, “મુમુક્ષુનાં નેત્રો સપુરુષને ઓળખી લે છે. આમ ગુરુ તથા શિષ્યનો અવિનાભાવી સંબંધ બંધાય છે.
આવો ઉભય ઉપકારી સંબંધ બંધાતાં, ગુરુ સૌ પ્રથમ નવીન ધરખમ કર્મોની વૃદ્ધિ અટકાવવા શિષ્યને ઉત્સાહિત કરે છે. નવી ભૂલો થતાં અટકે તો નવાં કર્મબંધન અટકે, અને તેમ થાય તો જૂનાં સંચિત કર્મોની નિવૃત્તિ માટે પ્રવૃત્તિ કરી શકાય.
૧૫૦