________________
પ્રકરણ ૭
મંત્રસ્મરણ
જે જીવને ચતુર્ગતિમય સંસારનાં દુઃખ અને સુખથી પર એવાં મોક્ષનાં અવ્યાબાધ સુખને મેળવવાની અંતરંગ ઝંખના જાગે છે, તે જીવમાં મહાઉપકારી શ્રી જિનેશ્વરદેવ પ્રણીત મોક્ષમાર્ગનું આરાધન કરવાની ભાવના ઉલસે છે. સંસાર સમુદ્રને તરી, મોક્ષભૂમિમાં સ્થાયી વસવાટ કરવાનો ઉલ્લાસ, મોક્ષમાર્ગના પ્રણેતા શ્રી અરિહંત પ્રભુના આરાધક બની આત્મશુદ્ધિ માટે સતત કાર્યરત રહેતા શ્રી સત્પુરુષરૂપ સદ્ગુરુનાં શરણમાં સહજતાએ દોરી જાય છે. શ્રી સદ્ગુરુની આજ્ઞાએ પ્રવર્તી, કર્મક્ષય કરતાં કરતાં તે જીવ ધારેલી સિદ્ધિ મેળવવા ભાગ્યશાળી થાય છે. આ અહોભાગ્ય પ્રાપ્ત કરવામાં સહાયરૂપ થનારા ત્રણ અંગો છે: પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ.
અનાદિકાળથી ચાલ્યા આવતા જીવનાં પરિભ્રમણનો અંત વર્તમાનકાળ સુધી આવ્યો નથી, તે એ સૂચવે છે કે આ જીવથી કોઈક એવી ભૂલ વારંવાર થયા કરી છે કે જેને કારણે તેને સંસારનો ભોગવટો સિમિત થયો નથી. એ વારંવાર પુનરાવર્તન પામતી ભૂલને કારણે શાશ્વત સુખ મેળવવાની ઇચ્છા પૂર્ણ થવામાં વિઘ્નોની પરંપરા અર્થાત્ અંતરાયો વર્ત્યા કરે છે. જ્યાં સુધી વર્તતી અંતરાયો ક્ષય કરવામાં ન આવે ત્યાં સુધી શાશ્વત સુખનો લાભ મળે જ નહિ તે દેખીતું છે. આવા સંજોગોમાં એ સ્પષ્ટ થાય છે કે ગમે તેમ કરીને પરંપરાએ થતી ભૂલોને અટકાવવી જોઈએ. એક વખત ભૂલની પરંપરાને તોડી અટકાવવામાં આવે તો પછી ભૂતકાળની ભૂલોનો જથ્થો કાઢવાનો ઉપાય હસ્તગત થાય અને સફળતા મળે.
સ્વેચ્છાએ વર્તી, સ્વચ્છંદે પોતાનું વર્તન કરતાં કરતાં આ ભૂલોની હારમાળા સર્જાય છે, કારણ કે પ્રત્યેક જીવ પોતાની મેળે સારાસાર વિવેક પ્રગટાવી શકતો
૧૪૯