________________
કેવળી પ્રભુનો સાથ
અનેકવિધ કષાયો કરી પોતાનું પરિભ્રમણ વધારતાં જતાં હોય છે. તેનાથી વિરુદ્ધ દિશામાં તરવું એટલે કર્મવર્ધક કષાયો પર સંયમ વધારતા જઈ, પૂર્વે કરેલા કષાયોની ક્ષમાપના કરવી એટલે કે કર્મનિવૃત્તિ કરવી, આ કાર્યને શ્રી પ્રભુએ પ્રતિક્રમણ કહ્યું છે. દિવસભર કરેલા પાપની ક્ષમાયાચના રાત્રે સૂતી વખતે અને રાત્રે થયેલા દોષોની ક્ષમાપના પ્રભાતે ઊઠીને કરવાની આજ્ઞા શ્રી પ્રભુએ કરી છે. આ અપેક્ષાએ વિચારતાં ક્ષમાપનાનો આખો પાઠ પ્રતિક્રમણરૂપ છે. તેમાં મુખ્યતાએ જે દોષો થયા છે તેનો પશ્ચાત્તાપ, તેનાથી નિવૃત્તિ અને વિશુદ્ધિ મેળવવાનો ઉપાય જોવા મળે છે. આમ પ્રતિક્રમણની નાની આવૃત્તિરૂપ આ ક્ષમાપનાને ગણી શકાય.
૨. સામાયિક
સમ + આય + ઇક. બે ઘડી સુધી આત્માને સ્થિર પરિણામી કરવો; આ પ્રવૃત્તિને શ્રી પ્રભુએ સામાયિક કહેલ છે. જીવ જ્યારે સમ્યક્દર્શન પ્રાપ્ત કરી અનંતસંસારનું પરિભ્રમણ માત્ર પંદર ભવ પૂરતું મર્યાદિત કરે છે ત્યારે તે જીવ બે ઘડી સુધી ધર્મધ્યાનમાં સ્થિર થાય છે. એ જ પ્રમાણે જીવ ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરતી વખતે પણ બે ઘડી સુધી ઊંડા ધર્મધ્યાનમાં સ્થિર થાય છે. વળી, કેવળજ્ઞાન લેતી વખતે જીવ લગભગ બે ઘડી સુધી શુક્લધ્યાનમાં સ્થિર થાય છે. આમ બે ઘડીનાં સ્થિર પરિણામનું અદ્ભુત મહાત્મ્ય હોવાથી, તેનો મહાવરો કરવા માટે શ્રી પ્રભુએ રોજ સામાયિક કરવાની, આત્માનાં પરિણામ સ્થિર કરવાનો રોજ પ્રયત્ન કરવાની આજ્ઞા આપી છે. તે મહાવરાનાં ફળરૂપે જીવ સ્થિર થતાં શીખે છે અને આત્મશુદ્ધિના વિકાસનાં પગથિયાં ચડતો જાય છે. આ આત્મશુદ્ધિનો વિકાસ કરવા માટે સ્થિર થવાના પ્રયત્નો આપણને ક્ષમાપનામાં જોવા મળે છે, “જેમ જેમ હું સૂક્ષ્મ વિચા૨થી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારાં તત્ત્વના ચમત્કારો મારાં સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી....” આ અને આવાં બીજાં વચનો બતાવે છે કે આત્માનાં પરિણામ સ્થિર થતાં, જીવ સૂક્ષ્મ વિચારમાં ઊંડો ઉતરે છે, સ્વસ્વરૂપની અનુભૂતિ કરે છે અને આગળ પ્રગતિ કરવામાં ઉત્સાહિત થાય છે. આમ સામાયિક તત્ત્વ અહીં ક્ષમાપનામાં ગૂંથાયેલું ગણી શકાય.
૧૪૨