________________
ક્ષમાપના
આત્મા સિદ્ધભૂમિમાં જાય છે તેથી તે દશા ગુણસ્થાનથી પર છે. સિદ્ધ ભગવાનને ગુણસ્થાન નથી.
આ પ્રમાણે શ્રી પ્રભુએ ગુણોને રહેવા માટેના, તરતમતાવાળા ચૌદ સ્થાનક આત્માની ભિન્ન ભિન્ન દશા જણાવવા માટે બતાવ્યા છે. આ સ્થાનોનું લક્ષ આપણને શ્રી રાયચંદભાઈ રચિત ક્ષમાપનામાં પણ આવે છે.
ક્ષમાપનાનો પહેલો ફકરો છે કે, “હે ભગવાન! હું બહુ ભૂલી ગયો. મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહિ. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહો. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહિ. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહિ.” આ વચનો વાંચતા સમજાય છે કે જીવે, પોતે ભૂતકાળમાં ભૂલની પરંપરા જ સેવી છે તથા આત્માની ઓળખ માટે કોઈ પ્રયત્ન કર્યો નથી, તેની હવે જાણકારી આવી છે, એટલું જ નહિ તે અસદ્વર્તનનો પશ્ચાત્તાપ શરૂ થયો છે. આ ભૂતકાળ વિશેનું જીવનું જે કથન છે તે પહેલા ગુણસ્થાને વર્તતો જીવ જ આચરી શકે. અને કરેલા દુષ્કૃત્યોનો પસ્તાવો તે એ ગુણસ્થાનથી આગળ વધવાની જે તૈયારી શરૂ થઈ છે તેની સાબિતીરૂપ છે.
તે પછીનાં વચનો છે કે, “હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું. હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અને કમરજથી કરીને મલિન છું.” આ વચનોથી જીવની દ્વિધાવાળી સ્થિતિ સ્પષ્ટ સમજાય છે. પોતે ખોટું કર્યું, તેનાં ફળરૂપે પોતે આખા સંસારમાં ભમતો રહ્યો તે એક બાજુથી સમજાય છે અને છતાં મોહનું એટલું જોર છે કે પરિભ્રમણથી છૂટવાનાં પ્રયત્નો થતાં નથી, કર્મો વધતાં જાય એવું વર્તન થયા કરે છે, “વિટંબણામાં પડયો છું” એ શબ્દો આ સમજાવી જાય છે. આ દ્વિધાવાળી સ્થિતિ ત્રીજા ગુણસ્થાનની હાલકડોલક સ્થિતિ બતાવે છે.
આ અવસ્થામાંથી થોડો વખત પસાર થયા પછી, અને પશ્ચાત્તાપની ઉગ્રતા વેદ્યા પછી જીવને નિર્ણયાત્મક સ્થિતિ આવે છે. તેનામાં શ્રી ગુરુની સહાયથી સ્થિરતા
૧૩૭