________________
ક્ષમાપના
સંસારી ગૃહસ્થાવસ્થા ત્યાગી મુનિ અવસ્થા સ્વીકારે છે. તે અવસ્થામાં જીવ સંસારનાં કુટુંબનો, ધનનો, વૈભવનો તથા સર્વ પરિગ્રહનો ત્યાગ કરી, માત્ર આત્મારાધનમાં રત રહેવામાં ઉપકારી એવાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતને ધારણ કરે છે. અને તેનું ચુસ્તપણે પાલન કરવામાં વ્યસ્ત રહે છે. શ્રી પ્રભુની આજ્ઞાનુસાર જીવ મુનિજીવનમાં અનિવાર્ય એવાં અત્યંત અલ્પ ઉપકરણો જ રાખે છે, અને ખપ પૂરતો જ, અત્યંત શુદ્ધ નિર્દોષ આહાર મળે તો જ સ્વીકારે છે, અશુદ્ધ કે દોષિત આહાર કોઈ પણ સંજોગોમાં સ્વીકારતા નથી. દિવસો સુધી નિર્દોષ આહાર પાણી ન મળે તો ઉપશમભાવ રાખી ચલાવે છે, પણ આત્મશુદ્ધિમાં લાગી પડેલા મુનિ સદોષ આહાર કે પાણી સ્વીકારતા નથી. આત્મા સિવાયના સર્વ પદાર્થમાંથી મમબુદ્ધિ ખેંચી લીધી હોવાથી આ પ્રકારે મુનિ વર્તી શકે છે. આ ગુણસ્થાનથી દેહ તથા ઇન્દ્રિયોનો ઉપયોગ પણ આત્મશુદ્ધિનાં સાધન તરીકે જ મુનિ કરે છે, કોઈ પ્રકારના રાગભાવથી કે આસક્તિના પોષણ માટે દેહ કે ઇન્દ્રિયોનો ઉપયોગ મુનિ કરતા નથી. આમ ખીલેલો આંતર સંયમ પૂર્ણતાએ બાહ્યથી સ્વીકારાય ત્યારે બાહ્યાંતર નિર્ગથપણું પ્રગટ થાય છે. અંતરથી મિથ્યાત્વની ગાંઠ તૂટે; મન, વચન તથા કાયા સાથેનું મમપણું તૂટે; અને તેના અનુસંધાનમાં બાહ્યથી કુટુંબ, પરિગ્રહ, સત્તા, વગેરે સાથેનું જોડાણ તૂટી ત્યાગભાવ આવે ત્યારે જીવ સર્વવિરતિ સમ્યદૃષ્ટિ નામક છઠ્ઠી ગુણસ્થાને પહોંચ્યો કહેવાય.
આ સંસારમાં ઘણી વખત એવું જોવામાં આવે છે કે જીવની મિથ્યાત્વની ગાંઠ તૂટી ન હોય, સમ્યક્દર્શન પ્રાપ્ત કર્યું ન હોય છતાં સંસારનાં દુ:ખથી પીડાઈને, કોઈના વિયોગથી અકળાઈને અથવા કોઈ ભાવાવેશને કારણે જીવે બાહ્યથી સંસારત્યાગ કરી મુનિ અવસ્થા સ્વીકારી હોય. આવો જીવ દ્રવ્યથી છઠ્ઠા અને ભાવથી પહેલા(મિથ્યાત્વ) ગુણસ્થાને કહેવાય. તે જીવ કદાચિત્ આત્મવિકાસ કરી સમ્યક્દર્શન મેળવે તો દ્રવ્યથી છઠ્ઠી અને ભાવથી ચોથા ગુણસ્થાને આવ્યો કહેવાય. વળી પુરુષાર્થ કરી મન, વચન, કાયામાંનું મમપણે ત્યાગી તેની સોંપણી ગુરુને કરે તો તે ભાવથી પણ છઠ્ઠા ગુણસ્થાને આવ્યો કહેવાય. તે વખતે દ્રવ્ય તથા ભાવથી તે છઠ્ઠા ગુણસ્થાને રહ્યો કહેવાય.
૧૨૭