________________
ક્ષમાપના
ગુણસ્થાનથી થતી પડવાઈ વખતે જો અનંતાનુબંધી કર્મનો ઉદય આવે તો જ થાય છે. નહિતર આ ગુણસ્થાન જીવને માટે અસ્પૃશ્ય જ છે. એટલે શાસ્ત્રમાં તેનું મહત્ત્વ ખૂબ જણાવ્યું નથી.
ત્રીજું મિશ્ર ગુણસ્થાન પહેલા ગુણસ્થાનેથી વિકાસ કરી જીવ જ્યારે આગળ વધે છે ત્યારે તે બીજા ગુણસ્થાનને સ્પર્યા વિના જ સીધો ત્રીજા ગુણસ્થાને પહોંચે છે. આ ગુણસ્થાને તેની સ્થિતિ ખૂબ ડામાડોળ હોય છે. પહેલા ગુણસ્થાને જીવને આત્માનાં અસ્તિત્વ આદિનો સ્પષ્ટ નકાર વર્તતો હોય છે, તેનો અહીં અભાવ કે મંદતા થાય છે. અને તેને સ્થાને કદાચ આત્માનું અસ્તિત્વ હોઈ શકે એવો ભાવ ઊંડે ઊંડે જાગવા લાગે છે, તેમ છતાં તેનામાં આત્માનાં અસ્તિત્વનો સ્પષ્ટ હકાર પણ આવતો નથી. આ ગુણસ્થાને જીવને “આત્મા નથી જ' અથવા તો “આત્મા છે જ' એવી સ્પષ્ટતા થતી નથી, પરંતુ આમ પણ હોય અથવા આમ પણ હોય એવી દ્વિધાવાળી અનુભૂતિ તેને રહ્યા કરે છે. આવી દ્વિધાવાળી સ્થિતિ તે ત્રીજું મિશ્ર ગુણસ્થાન છે. આવી સ્થિતિમાં જો મિથ્યાત્વનું જોર વધે તો તે સીધો પહેલા ગુણસ્થાને આવી જાય છે અને ફરી પાછી આત્માની અનુભૂતિની સંભાવના થતાં તે ત્રીજા ગુણસ્થાને ચડે છે. આ રીતે જીવ ત્રીજા ગુણસ્થાન સુધી અનંતવાર ચડઉતર કરે છે. તેનું મુખ્ય કારણ મિથ્યાત્વ-મોહ અને અંતરાય કર્મના આવતાં જોરદાર ઉદયો છે. ત્રીજા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ માત્ર અંતમુહૂર્ત કાળ છે. જીવ વધુમાં વધુ અંતમુહૂર્ત કાળ માટે જ ત્રીજા ગુણસ્થાને ટકી શકે છે. તે પછી મોટાભાગે પહેલા ગુણસ્થાને ઊતરી આવે છે, આવી ચડઉતરમાં કેટલીકવાર જીવનો અનંતકાળ વ્યતીત થઈ જાય છે. પણ જ્યારે કાળલબ્ધિ પાકે, કરણલબ્ધિ પ્રગટ થાય છે, ત્યારે તે જીવ સદગુરુના આશ્રયે ખૂબ પુરુષાર્થ કરી, વીર્ય પ્રગટાવી થોડા કાળ માટે ચોથા ગુણસ્થાને આવે છે. તે વખતે તેને આત્માનાં અસ્તિત્વ આદિનો અનુભવાત્મક નિર્ધાર થાય છે, અને પ્રારંભમાં ઉપશમ સમકિત મેળવે છે, જે ક્રમે કરી ક્ષયોપશમ સમકિતમાં પલટાય છે.
૧૨૧